રાપરના પલાંસવા નજીક નર્મદાની કેનાલ તોડી પાડ્યાનો આક્ષેપ, દોડતું થયું નર્મદા તંત્ર
વાગડ વિસ્તારની જીવાદોરી સમાન કચ્છ બ્રાન્ચ કેનાલમાં હાલ નર્મદાના નિર પૂરબહારમાં વહી રહ્યા છે. જેના પાણીનો ખેડૂત વર્ગ લાભ લઈ રહ્યા છે. ત્યારે રાત્રિ દરમ્યાન આડેસરથી ગાગોદર જતી પેટા કેનાલમા કોઈએ અંગત સ્વાર્થ માટે પાણી મેળવવા કરેલા પ્રયાસથી કેનાલમાં મોટું ગાબડું પડી ગયું છે. ગાબડું પડતા અસંખ્ય લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને વહી રહેલું પાણી આસપાસના ખેતરોમાં ઘુસી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ મામલે જવાબદાર ઈસમો સામે નર્મદા વિભાગ દ્વારા નામજોગ પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાપરના આડેસરથી ગાગોદર નર્મદા બ્રાન્ચ કેનાલને પલાંસવા માખેલ વચ્ચે કોઈએ અંગત સ્વાર્થ માટે તોડી પાડવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. કેનલમાં મોટું ગાબડું પાડી દેવામાં આવતા અસંખ્ય લીટર પાણી વહી ગયું છે. જેના કારણે આસપાસના અનેક ખેતરોમાં મોટા પાયે થયેલા જીરુ, રાયડો, ઘઉં સહિતના શિયાળું પાકના વાવેતરને ભારે નુકસાન થયું હોવાનું કાનમેરના સરપંચ રામજીભાઈ રાજપુત દ્વારા જણાવાયું હતું. આ અંગે સરપંચએ વધુમાં જણાવ્યું હતું કે રાત્રે પલાંસવા માખેલ વચ્ચે બે જેસીબી દ્વારા કેનાલ જાણી જોઈને તોડી પાડવામા આવી હતી . આ અંગે આડેસર પોલીસ મથકે જાણ કરવામાં આવી છે અને નર્મદા નિગમના અધિકારીઓને પણ જાણ કરવામાં આવતા તેઓ ઘટનાસ્થળે પહોંચી કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરશે. કૃત્ય કરનારા લોકો સામે સખ્ત પગલાં લેવા ખેડૂતોએ માગ કરી છે. એક તરફ રવિ પાક ની સિજન શરૂ થઈ છે ત્યારે કેનાલ તોડી નાખવા મા આવતા ખેડૂતોને પીયત માટે પાણીની સમસ્યા ઉભી થાય તેમ છે. તો તાત્કાલિક અસરથી આ કેનાલ રિપેર કરવા માટે અને કેનાલ પર એસઆરપી બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો દ્વારા તંત્ર પાસે કરાઈ છે.
અલબત્ત આડેસર પીએસઆઇ બીજી રાવલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ મામલે નર્મદા વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે આવ્યા બાદ ઘટણમાં સામેલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રાથમિક ધોરણે પોતાના ખેતરમાં પાણી વાળવા બનાવવામાં આવતા વોકડાના કારણે કેનાલ તૂટી હોવાનું તારણ હાલ સામે આવી રહ્યું છે.