સુરતના ખટોદરામાં શો રૂમમાં આગ લાગતા કાપડનો જથ્થો ખાક, કોઈ જાનહાની નહીં
ઉધના ખટોદરા નવજીવન સર્કલ પાસે ઉધના વાહન ડેપોની સામે ઈશિતા ફેશન નામના શો રૂમમાં આગ લાગી હતી. સાડી,લેડીસ કુર્તા, ગ્રાઉન સહિતની લેડીસ કપડાંના શો રૂમમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો. ખટોદરા વિસ્તારમાં ઈશિતા ફેક્ટરી આઉટલેટમાં એકાએક સવારના સમયે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.
ફેક્ટરી આઉટલેટમાંથી ધુમાડો નીકળવાનો શરૂ થતા આસપાસના લોકોને આગ લાગી હોવાની જાણ થઈ હતી. ફેક્ટરી આઉટલેટમાં સાડી, કુર્તા, ડ્રેસ મટીરીયલ સહિતનો માલ હતો. એકાએક આગ લાગતા ગ્રાઉન્ડ ફ્લોરમાં માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો. ઈશિતા ફેક્ટરી આઉટલેટમાં આગ લાગવાની ઘટના બનતાની સાથે જ ફાયર વિભાગ ઘટના સ્થળ ઉપર પહોંચ્યું હતું. ગ્રાઉન્ડ પ્લસ બે માળના ફેક્ટરી આઉટલેટમાં આગ લાગતા ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. ઘટનાની જાણ થતા આઉટલેટના માલિક તેમજ સ્ટાફ પણ દોડી આવ્યો હતો. ફાયર ઓફિસરે જણાવ્યું કે, આગ ગ્રાઉન્ડ ફ્રલોરમાં લાગી હતી. જે પહેલા માળે પણ વધુ પ્રસરી શકી ન હતી. તે પહેલા જ આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો. સાડી અને ડ્રેસ મટીરીયલ વધુ હોવાને કારણે આગ ખૂબ ઝડપથી પ્રસરી ગઈ હતી. આગ કયા કારણસર લાગી છે. તે હજી જાણવા મળ્યું નથી.
આગ ઉપર કાબૂ મેળવવા માટે મજુરા, માન દરવાજા, નવસારી બજારની ૨-૨ ગાડી અને ડુંભાલ ફાયર સ્ટેશનની એક ગાડીની મદદ લેવાઈ હતી. કુલિંગની કામગીરી ઝડપથી અને સમયસર થતાં આગ વધુ પ્રસરે તે પહેલા જ કાબુમાં લેવાય હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.