અમદાવાદમાં લાકડાના ગોડાઉનમાં આગ, ૨૪ ફાયર બ્રિગેડની ગાડીઓએ મેળવ્યો કાબૂ
રાજ્યમાં કારખાના, દવાખાના અને કંપનીઓમાં આગ લાગવાના બનાવો અવાર-નવાર બનતા હોય છે અને અનેકવાર એવી ગંભીર સ્થિતિ ઊભી થાય છે કે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે અમદાવાદમાં વધુ એક કારખાનામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે. અમદાવાદમાં સરખેજ પોલીસ સ્ટેશન પાસે આવેલા યોગેશ્વર ટિમ્બર માર્ટ નામના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી.
૩ માળના ગોડાઉનમાં લાગેલી આ આગ એટલી ભયંકર હતી કે તેના પર કાબુ મેળવવા માટે ફાયરબ્રિગેડની ૨૪ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. એટલું જ નહીં હાઇડ્રોલિક ક્રેનની પણ મદદ લેવામાં આવી હતી. આગનું પ્રમાણ વધતા તકેદારીના ભાગરૂપે આસપાસના તમામ રહેવાસીઓના મકાન ખાલી કરાવવામાં આવ્યા હતા.
ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી કામગીરીમાં જાેડાયા હતા. ફાયરની ટીમે બે કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ઉલ્લેકનીય છે કે આગ લાગવાની આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનીના સમાચાર નથી.