બારડોલીમાં બાલાજી વેફરના ગોડાઉનમાં આગ, સદનસીબે કોઈ જાનહાની નહીં
બારડોલીનાં ધુલિયા ચાર રસ્તા નજીક આવેલા બાલાજી વેફરના ગોડાઉનમાં સવારે આગ લાગવાની ઘટના બની હતી. આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ૫ જેટલી ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.
જોકે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. સુરત જિલ્લાના બારડોલી ખાતે ધુલિયા ચાર રસ્તા નજીક બાલાજી વેફરનું ગોડાઉન આવેલું છે. જે ગોડાઉનમાં સવારે આગ લાગી હતી.
ગોડાઉનમાં મુકેલ વેફર તેમજ નમકીનમાં આગ લાગતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ચપેટમાં ગોડાઉનમાં મુકેલા ૧૧ જેટલા ટેમ્પાઓ બળીને ખાખ થઈ ગયા છે. ઘટનાની જાણ ફાયર વિભાગ તેમજ પોલીસની ટીમને કરાતા બારડોલી, કામરેજ તેમજ પી.ઇ.પી.એલ ફાયરની ૫ જેટલી ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરુ કર્યો હતો. ૪ કલાકની જહેમત બાદ ફાયરની ટીમને સફળતા મળી હતી. ગોડાઉનમાં આગ શોર્ટ સરકીટ થવાનાં કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ લગાવાઈ રહ્યું છે. જોકે સદનસીબે કોઈ જાનહાનીની ઘટના સામે આવી નથી. ઘટનામાં લાખોની મત્તાનું નુકશાન થવા પામ્યું છે.