લોકડાઉનમા આમ પ્રજાને કુદરતી કળા જોવા મળી….પરંતુ…..?
પૂર્ણતાના કિનારે પહોંચી ગયેલું અને અંત થવાની તૈયારીમાં ૨૦૨૦ ના વર્ષમાં કોરોનાવાયરસે દેશની પ્રજાને સારી અને ખરાબ બંને બાબતો બતાવી દીધી છે. ટૂંકમાં કુદરતે પોતાનો સાચો નજારો બતાવી દીધો છે… જે પૈકી આમ પ્રજા માટે સૌથી સારી બાબત એ બની રહી કે સરકારે જેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છતાં તેમાં જોઈતી સંપૂર્ણ સફળતા મળી ન હતી અને આમ પ્રજા તેને કારણે વિવિધ રોગોમાં સપડાતી રહેતી હતી…અને તે છે પર્યાવરણ. સરકારે લોકડાઉન લાગુ કર્યા પછી દેશની આબોહવામાં ઘણો મોટો ફેરફાર થઈ ગયો હતો. હવા પ્રદૂષણ તદ્દન ઘટી ગયું હતું,હવા એકદમ સ્વચ્છ થઇ ગઈ હતી… કારણ વાહન વ્યવહાર તદ્દન બંધ હતો જેથી વાતાવરણમાથી પ્રદુષિત રજકણો, ધુમાડો વગેરે ગુમ થઈ ગયા હતા. તો હવા પ્રદુષણ ઓકતા અનેક કેમિકલ પ્રદુષણ કે અન્ય ઝેરી ધુમાડો ઓકતા નાના- મોટા ઉદ્યોગો, ધંધા બંધ હતા… પરિણામે હવામાંનુ પ્રદૂષણ ખતમ થઈ ગયું હતુ તે કારણે હવા સ્વચ્છ થઈ ગઈ હતી અને ઓઝલ રહેતા દૂરના સ્થળો નરી આંખે સ્પષ્ટ જોવા મળતા થઈ ગયા હતા. તે સાથે ખરાબ પાણી કે કેમીકલયુક્ત પાણી છોડતા નાના -મોટા તમામ પ્રકારના ઉદ્યોગો બંધ હતા જેથી નદીમાં પ્રદુષિત પાણી છોડવાનું બંધ થયું અને મોટાભાગની નદીઓમાં પાણી સ્વચ્છ થઈ ગયા જેના કારણે કાચની જેમ પાણી નીચે-તળીયે પડી રહેલી ચીજ વસ્તુઓ પણ સ્પષ્ટ દેખાવા લાગી હતી. જ્યારેકે અગત્યની બાબત એ રહી કે કોરોના મહામારી વચ્ચે રોજેરોજ દેખાતા અનેક રોગો બાબતોની ફરિયાદો બંધ થઈ ગઈ તેમજ તેના કેસો નોંધાતા બંધ થઈ ગયા હતા… જેમ કે શરદી, તાવ, માથાનો દુખાવો, સાંધાના તથા સ્નાયુના કે પેટના દુખાવા, દમ તથા શ્વાસની તકલીફો, એક્સિડન્ટો સહિતના બનાવો બધું જ અટકી ગયુ હતુ. જ્યારે કે શહેરોમાંથી ગુમ થઈ ગયેલા વિવિધ પક્ષીઓ શહેરમાં દેખાવા સાથે ઉડતા, હરતા- ફરતા જાેવા મળવા લાગ્યા હતા…. ત્યારે શહેરના બાળકોને નવીનતા લાગતી હતી…. પરંતુ આમ પ્રજા કુદરતનો સાચો આનંદ અનુભવી રહી હતી… એક ગ્રામ્ય જીવનનો કુદરતી નજારો……!
દેશમાં અનલોક જાહેર થતા ધીરે ધીરે હવા પ્રદૂષણ, અવાજ પ્રદષણ, એકસીડન્ટ કેસો વગેરે વધવાની શરૂઆત થઈ ગઈ. આજે નદીઓના પાણી પણ પ્રદૂષિત થઈ ગયા છે કારણ વાહન વ્યવહાર ધમધમતો થઇ ગયો છે… તો કારખાનાઓ ધબકતા થઈ ગયા છે, નાના-મોટા ધંધાઓ, વિવિધ બજારો ખુલી ગયા છે તે સાથે કચરો અને ગંદકી ફેલાવાનુ તેમજ હવા પ્રદૂષણ- વાયુ પ્રદુષણ ફેલાવાનું શરૂ થઈ ગયું છે. સરકારની વારંવાર કોરોનાથી બચવા માટેના નિયમોની ચેતવણી છતાં અનેક લોકો સમજવા તૈયાર નથી એ ઉડીને આંખે વળગે તેવી બાબત છે તંત્ર માસ્ક ન બાંધનારાઓ રાજકીય કાર્યકરો સિવાયના લોકો પાસેથી કરોડો રૂપિયા દંડ વસૂલ્યો છે…. પરંતુ હવા પ્રદૂષિત કરતા,પાણી પ્રદુષિત કરતા ઉદ્યોગો ધબકવા સાથે યથાવત રીતે પ્રદૂષણ છોડવાનુ શરૂ કરી દીધુ છે.પરિણામે કુદરતી નજારો ઓઝલ થવા લાગ્યો છે.હવા,પાણી પ્રદુષણ અટકાવવા કે રોકવા તંત્ર સજાગ થશે કે કેમ તે મોટો પ્રશ્ન છે….?
– હર્ષદ કામદાર