વેરાવળ-સોમનાથમાં પોણા કલાકમાં ગાજવીજ સાથે ૨.૫ ઈંચ વરસાદ
વેરાવળ-સોમનાથ-જોડીયા શહેર અને પંથકમાં સાંજે મેઘરાજાએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે પધરામણી કરી હતી. પોણા કલાકમાં ૨.૫ ઈંચ જેવો ભારે વરસાદ વરસી ગયો હતો. જેના પગલે શહેરના અનેક રાજમાર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સાથે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મેઘરાજાએ મુકામ કરી સાવર્ત્રિક અડધો ઈંચ વરસાદ વરસાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી વેરાવળ-સોમનાથ-જોડીયા શહેર ઉપર મેઘરાજા હેત વરસાવતા હોવાનો માહોલ જોવા મળ્યો હતો. જો કે સમી સાંજે પાંચ આસપાસ જોડીયા શહેર અને પંથકના ગ્રામ્ય વિસ્તારોના આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાઈ ગયા બાદ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે મેઘરાજાએ પધરામણી કરી હતી. જોત જોતામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ૪૫ મિનીટ જેવા ટૂંકા સમયમાં જ ૫૯ મીમી (૨.૫ ઈંચ) જેવો ભારે વરસાદ વરસાવી દીધો હતો. જેના પગલે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી જવાની સાથે અત્ર તત્ર અને સર્વત્ર પાણી પાણી કરી દીધું હતું.
જોડીયા શહેરમાં અચાનક પડેલા ભારે વરસાદના પગલે અનેક રાજમાર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતા. જેમાં ખાસ પાલિકા કચેરીની સામેના જ બે મુખ્ય માર્ગો ઉપરાંત સટ્ટાબજાર, સુભાષ રોડ, એમજી રોડ, એસટી રોડ, રીંગ રોડ સહિતના માર્ગે ઉપર પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તો અમુક વિસ્તારોમાં ગટરો ઉભરાઈને વરસાદી પાણી સાથે વહેવા લાગતા લોકો દુર્ગંધથી લોકો પરેશાન થઈ ગયા હતા. ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિએ પાલિકા તંત્રની અણઘડ કામગીરીની પ્રતિતી લોકોને કરાવી હોવાની માર્મિક ટકોર પ્રબુદ્ધ લોકો કરી રહ્યા હતા.
વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હોવાથી નદી નાળા બે કાંઠે વહેતા જોવા મળ્યા હતા. વેરાવળ પંથકના ડાભોર, ચમોડા, આંબલીયાળા, છાત્રોડા સહિતના અનેક ગામોને જોડતા અને વાડી વિસ્તારના રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થયા હતા. તો આજના વરસાદથી ખેડૂતોએ કરેલા પાકોને જીવનદાન મળ્યા સમાન હોવાથી જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો હતો. જ્યારે છેલ્લા થોડા દિવસોથી તો બફારો અનુભવતા પંથકવાસીઓએ ભારે વરસાદથી ઠંડકનો અહેસાસ કર્યો હતો. આજે સાંજે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સામાન્ય વરસાદ વરસ્યો હતો. જેની વાત કરીએ તો સુત્રાપાડામાં ૧૧ મીમી, કોડીનારમાં ૧૬ મીમી, ઉનામાં ૧૮ મીમી, ગીરગઢડામાં ૭ મીમી જેટલો વરસાદ વરસ્યો હતો.