મોરબી-માળિયા હાઈવે પર ફેકટરીમાં ભયાનક આગ લાગી, ૬ લોકો ગંભીર રીતે દાઝ્યા
મોરબી નજીક ફેકટરીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ૬ લોકો દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ આગ પાછળ ગેસ લીકેજ થતો હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે. પણ ચોક્કસ કારણ હજુ સુધી જાહેર થયું નથી. બનાવની મળતી વિગત મુજબ માળિયા રોડ ઉપર આવેલ રવાપર નદી ગામ તરફના રસ્તામાં આવેલ પલાયવુડ બનાવતી હોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં જેમાં કોઈ કારણોસર અકસ્માતમાં આગ લાગેલ હતી. તેમાં અંદાજે ૬ લોકો દાઝી ગયેલ હતા. જેમાં પવનભાઈ, નગીનભાઈ, દેવાભાઈ, હસનભાઈ, દેવરાજભાઈ અને સીબુસિંગભાઇનો સમાવેશ થાય છે.
ઘટના બનતાની સાથે જ ૧૦૮માં ફોન કરતા મહેન્દ્રનગર ટીમના પાયલોટ દલવાણી હનીફભાઈ તથા ઇએમટી દીપિકાબેન પરમારને જાણ થતા જ તેઓએ કોલર સાથે વાત કરી વધારે સભ્યો હોવાથી લાલબાગ એમ્બ્યુલન્સના સ્ટાફ ઇએમટી શૈલેષભાઈ તથા પાઇલેટ અલ્પેશભાઈ સમયને જાણ કરી ઘટનાસ્થળ પણ પહોંચી હતી. બંને ગાડી મારફત દર્દીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડેલ હતા. આગ કેવી રીતે લાગી તે હજુ સતાવાર જાણવા મળ્યું નથી. પણ ગેસ લીકેજને લીધે આગ લાગી હોવાનું હાલ લાગી રહ્યું છે. આ ઘટનાથી પથકમાં ચકચાર મચી જવા પામી હતી