અમેરિકામાં એક ચકલીના કારણે આખા વિસ્તારમાં વિજળી ગુલ થઈ
તમારા ઘરની નજીક ઈલેક્ટ્રીક થાંભલા લાગેલા હશે અને આ થાંભલામાંથી નીકળતા કેબલ પર દરરોજ અનેક પક્ષીઓ બેઠેલા જોવા પણ મળતા હશે. જોકે આ વાયરથી થતા પાવર સપ્લાયને કારણે તેમને કોઈ નુકસાન થાય નહીં, પરંતુ એક નાના પક્ષીને કારણે સર્જાયેલ ઘટનાની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. આ એક ચકલીના કારણે ૧૪,૦૦૦થી વધુ લોકોને એક કલાક સુધી વીજળી વગર રહેવું પડ્યું હતુ. અમેરિકાના કેલિફોર્નિયાની છે.
તાજેતરમાં સાન ડિએગો કાઉન્ટીમાં લાઇટ ગુમ થઈ ગઈ હતી. શરૂઆતમાં લોકોને લાગ્યું કે, રૂટીન લાઇટ કાપ હશે પરંતુ લાંબા સમય સુધી લાઇટ ન આવતાં બધાએ વીજ કંપનીને ફોન કરવાનું શરૂ કર્યું હતું. જેથી મામલાની ગંભીરતાને ધ્યાને લઈ વીજ કંપનીના કર્મચારીએ તાત્કાલિક તમામ ઉપકરણોની ચકાસણી શરૂ કરી હતી. વિજળી ગુલ થવાના કારણો શોધતા થોડા સમય પછી ભૂલ મળી આવી હતી. સાન ડિએગો ગેસ એન્ડ ઈલેક્ટ્રીક સર્વિસના રિપોર્ટમાં જણાવાયું છે કે, લા મેસા સબસ્ટેશન પર ઈલેક્ટ્રીકલ સાધનો વચ્ચે ચકલી ફસાઈ ગઈ હતી. આ ચકલીના કારણે આખા શહેરની લાઈટો ગુલ થઈ ગઈ હતી અને લગભગ ૧૪,૦૦૦ લોકો પરેશાન થઈ ગયા હતા.
જોકે તે ઉપકરણને રીપેર કરીને તરત જ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે એક અધિકારીએ કહ્યું કે, તેમને પાવર આઉટેજનું ચોક્કસ કારણ ખબર નથી પરંતુ ઉપકરણની વચ્ચે ચકલી મળી આવી હતી. પ્રાથમિક ધોરણે માનવામાં આવી રહ્યું છે કે, ચકલીને કારણે કારણે આ બધું થયું. વીજ ગુલ થવાનું કારણ શોધવા અને તેનો ઉકેલ લાવવા ૯૦ મિનિટની મહેનત થઈ હતી, ત્યારબાદ બાદ ફરી પુરવઠો પૂર્વવત થયો હતો. ત્યારબાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પશુ પક્ષીના કારણે લાઇટ ગુલ થઈ હોય તેવો આ પહેલો કિસ્સો નથી. અગાઉ જૂન મહિનામાં પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યાં નોર્થ કેરોલિનામાં ખિસકોલીના કારણે પાવર આઉટેજ થયું હતુ. આ ઘટનામાં લગભગ ૩૦૦૦ ઘરો પ્રભાવિત થયા હતા.