ચીનમાં મળેલ નવા વાયરસનો કોઈ ઈલાજ ન હોવાનો દાવો
ચીનના વુહાનમાંથી આવેલ કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં તબાહી મચી ગઈ છે. આ પરિસ્થિતિમાં ચીનમાં નવો એક વાયરસ લૈંગ્યા સામે આવ્યો છે. આ વાયરસના કારણે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. અત્યારસુધીમાં આ વાયરસથી ૩૫ લોકો સંક્રમિત થયા છે. ગ્લોબલ ટાઈમ્સ અનુસાર આ વાયરસથી હેનિપા વાયરસ લૈંગ્યાના કારણે ચીનના શેડોંગ અને હેનાન પ્રાંતમાં લોકો સંક્રમિત થયા છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, હેનિપા વાયરસને લૈંગ્યા હેનિપા વાયરસ , LV પણ કહેવામાં આવે છે. ચીનમાં જે દર્દીઓને તાવ આવ્યો છે, તેમના ગળામાંથી આ સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેમનામાં આ નવો વાયરસ મળી આવ્યો છે. રિસર્ચ કરતા વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ નવો હેનિપાવાયરસ જાનવરોમાંથી માણસોમાં આવ્યો હોઈ શકે છે. જે લોકો આ વાયરસથી સંક્રમિત થાય છે, તેમનામાં તાવ, થાક, ખાંસી અને અન્ય લક્ષણો જોવા મળે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, શેડોંગ અને હેનાનમાં લૈંગ્યા હેનિપા વાયરસના ૩૫માંથી ૨૬ મામલાઓમાં તાવ, ચિડીયાપણું, ખાંસી, એનોરેક્સિયા, માયલગિયા, માથાનો દુઃખાવાનો અને ઉલ્ટી જેવા લક્ષણો જોવા મળ્યા છે. આ હેનિપા વાયરસ માટે કોઈ વેક્સીન કે ઈલાજ નથી. સંક્રમિત વ્યક્તિઓની દેખભાળ કરવી તે જ માત્ર એક ઉપાય છે.
નિષ્ણાતોએ દાવો કર્યો છે કે, હાલમાં આ વાયરસના કારણે ગભરાવાની જરૂર નથી અને આ વાયરસને નજર અંદાજ પણ ન કરવો જોઈએ. તાઇવાનના સી.ડી.સીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ચુઆંગ ઝેન-હસિઆંગે જણાવ્યું હતું કે, સ્ટડીમાં સામે આવ્યુ છે કે, આ વાયરસ માનવથી માનવમાં ફેલાતો નથી. તેમણે વાયરસ વિશે વધુ માહિતી ન આવે ત્યાં સુધી સતર્ક રહેવા જણાવ્યું છે. પાળતુ પ્રાણીઓ પર કરવામાં આવેલા સર્વેની માહિતી આપતાં તેમણે કહ્યું કે, અત્યારસુધીમાં ૨% કેસ બકરામાં અને ૫% શ્વાનમાં જોવા મળ્યા છે. ડ્યૂક એનયૂએસ મેડિકલ સ્કૂલમાં સંક્રામક રોગોના પ્રોગ્રામમાં પ્રોફેસર વાંગ લિનફાએ આ નવા વાયરસ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, હેનિપા વાયરસના કેસને ધ્યાનથી જોવામાં આવે તો આ વાયરસ ઘાતક કે ગંભીર નથી. આ કારણોસર આ વાયરસથી ગભરાવાની જરૂર નથી.
આ વાયરસનો ચેતવણી તરીકે સ્વીકાર કરવો જોઈએ. હાલમાં અનેક એવા વાયરસ છે, જેના કારણે લોકો સંક્રમિત થયા છે અને ગંભીર પરિણામોનો સામનો પણ કર્યો છે.