ગુજરાતની ૬ કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ શરૂ થશે
ગુજરાતની છ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ શરૂ થશે. સરદાર કૃષિ નગર, દાંતીવાડા, નવસારી કૃષિ યુનિવર્સિટી, આણંદ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા ગુજરાત પ્રાકૃતિક અને જૈવિક કૃષિ યુનિવર્સિટી તેમજ ગુજરાત યુનિવર્સિટી એમ કુલ છ યુનિવર્સિટીઓમાં ‘પ્રાકૃતિક ખેતી’ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં દાખલ કરી શકાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજભવન ખાતે નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર ડૉ. નીલમ પટેલ , કુલપતિઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને વિષય નિષ્ણાતોની ઉચ્ચકક્ષાની બેઠકમાં પ્રાકૃતિક કૃષિના અભ્યાસક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. પ્રાકૃતિક કૃષિનો કોલેજ કક્ષાનો આ અભ્યાસક્રમ તૈયાર કરવામાં કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ પરિશ્રમ કર્યો છે. અનેક કિસાનોના અનુભવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાથોસાથ વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભોનો પણ આધાર લેવામાં આવ્યો છે.
ભારતીય બિયારણોને વધારે ઉત્કૃષ્ટ બનાવીને યુનિવર્સિટી કક્ષાએ તેનુ સંરક્ષણ કરવું જોઈએ. પ્રાકૃતિક કૃષિ પર પીએચ.ડી. કરવા માટે વધુને વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. કારણ કે, આવનારું ભવિષ્ય પ્રાકૃતિક ખેતીનું છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશ પ્રાકૃતિક ખેતીના મિશનમાં નેતૃત્વ કરે એવું તેમણે આહવાન કર્યું હતું. ગુજરાતમાં બી.એસ.સી. (એગ્રીકલ્ચર)માં પ્રાકૃતિક ખેતીનો વિષય અભ્યાસક્રમમાં દાખલ કરી શકાશે. એમ.એસ.સી. પ્રાકૃતિક કૃષિ પર કરી શકાશે.
આ ઉપરાંત ગુજરાતની તમામ કૃષિ યુનિવર્સિટીઓ, ગુજરાત યુનિવર્સિટી અને પ્રાકૃતિક અને જૈવિક કૃષિ યુનિવર્સિટી, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો ત્રણ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ પણ શરૂ કરી શકાશે. ત્રણ મહિનાના આ સર્ટિફિકેટ કોર્સમાં કોઈપણ ખેડૂત કે કોઈપણ વ્યક્તિ પ્રવેશ મેળવી શકે એવુ આયોજન કરાશે. આ ઉપરાંત તમામ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક કૃષિ પર વિદ્યાર્થીઓ પીએચડી પણ કરી શકે એવુ આયોજન છે.