સોશિયલ મીડિયા પર વાદળ ફાટ્યાનો વિડીયો વાયરલ થયો
તાજેતરમાં જ કુલ્લુમાં વાદળ ફાટતા દસના મોત થયા હતા અને કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા છે અને અમુક લોકો ગુમ થયા છે. તે સમયે ઘણાને થતું હશે કે વાદળ ફાટે એટલે શું થતું હશે. આ પ્રકારની દુર્ઘટના કેવી રીતે સર્જાતી હશે. વાદળ ફાટે ત્યારે અબજો ટન પાણીનો જથ્થો એક સાથે વાદળના ક્ષેત્રફળ જેટલા વિસ્તારમાં ઘેરાય છે અને ત્યાં વિનાશ વેરે છે. આવો જ એક વાદળ ફાટ્યાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. સદનસીબે આ વાદળ સરોવર તથા જંગલના વિસ્તારમાં ફાટ્યુ હતુ જ્યાં કોઈ માનવ વસાહત ન હતી. પણ જો રહેણાક વિસ્તારમાં ફાટ્યું હોત તો ઘણી મોટી ખાનાખરાબી તેણે સર્જી દીધી હોત. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલો આ વિડીયો જોઈએ તો ઘણો સુંદર લાગે છે, પણ આ સુંદરતાની ભયાનકતાનો અંદાજ ઘણો ઓછો આવે છે.
એક ફોટોગ્રાફરે આવી જ એક ભયાનક સુંદરતાનો નઝારો કેમેરામાં કંડાર્યો છે. આ વિડીયો ઓસ્ટ્રિયાના લેક મિલસ્ટેટનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે વાદળ કેવી રીતે ફાટે છે અને તેમાથી પાણીનો જળધોધ કેવી રીતે વહે છે. વાસ્તવમાં વાદળ ફાટવાની ઘટનાઓ મુખ્યત્વે મોટા પર્વતો પર જ બને છે. ઊંચા પર્વતો પાણીથી ભરેલા વાદળોને આગળ વધતા અટકાવે છે. તેના લીધે ભારે વજનના લીધે વાદળો લાંબો સમય તેનામાં પાણી જાળવી શકતા નથી અને તે ફાટે છે. ઘણી વખત જો નજીકમાં માનવ વસાહત હોય તો ત્યાં વિનાશ જેવી સ્થિતિ સર્જાય છે.