સુરતમાં પૂરની સ્થિતિમાં રેસ્ક્યુ કરવા ફાયર ટીમ એલર્ટ બની
ચોમાસામાં સુરતમાં હંમેશા પૂરનું સંકટ તોળાતું રહે છે. ઘણી વખત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વધુ પડતો વરસાદ નોંધાય તો સુરત માટે મુશ્કેલીઓ ઉભી થાય છે. એક તરફ હથનુર ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરી દેવાય છે તો બીજી તરફ ઉકાઇ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ થાય તો ઉકાઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો થતો રહે છે. તેવી સ્થિતિમાં જો ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવે તો સુરત શહેરમાં પૂર આવે છે. એવા સમયે તાપી નદીની આસપાસના લોકોને સ્થળાંતર કરવાની કામગીરી ખૂબ જ ઝડપથી કરવી પડે છે. માટે ફાયર વિભાગ તમામ પ્રકારની તૈયારીઓ ચોમાસા શરૂ થતાની સાથે જ પૂર્ણ કરી લે છે.
સુરત શહેર પૂરનું સંકટ હંમેશાં તોળાતું રહે છે. તેને માટે કોઈપણ પ્રકારની નિષ્ક્રિયતા રાખવી એ જોખમી પુરવાર થઈ શકે છે. સુરત શહેર વિભાગના તમામ ફાયર સ્ટેશનોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. રેસ્ક્યૂ બોટ ૩૪, પાવર બોન્ઝો મશીન ૬૫, રિંગ બોયા જેકેટ ૫૦૦ સહિતના ઇક્વિપમેન્ટ સાથે ફાયર વિભાગ તૈયાર થઈ ગયું છે. ફાયર સ્ટેશનોના તમામ ઓફિસરોને અને જવાનોને ચોમાસામાં પૂર જેવી સ્થિતિમાં રેસ્ક્યૂ ઓપરેશનની તાલીમ આપી દેવામાં આવી છે. સમય પડે તો એનડીઆરએફની ટીમને પણ સંપર્ક કરીને તેમને બોલાવવામાં આવશે. પરંતુ એનડીઆરએફની ટીમ આવે તે પહેલા શક્ય હોય તેટલું ફાયર વિભાગ લોકોને રેસ્ક્યૂ ઝડપથી કરે તેના માટે અમે કામગીરી પૂર્ણ કરી છે.ચોમાસુ શરૂ થતાની સાથે જ દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળતી હોય છે.
દર વર્ષે ચોમાસા વખતે સુરત જિલ્લામાં અથવા તો ઉપરવાસમાં વધુ પડતા વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. તે સમયે સુરતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય છે ત્યારે રેસ્ક્યૂ કરવાની ફરજ પડતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ એલર્ટ થઈ ગયું છે. બોટ સહિત ૫૦૦ ઇક્વિપમેન્ટ તૈયાર કર્યા છે. ચોમાસા દરમિયાન શહેર અને જિલ્લામાં વધુ પડતો વરસાદ થાય તો ખાડી પૂરની સ્થિતિ ઉભી થાય છે. જેના કારણે તેની આસપાસ રહેતા હજારો લોકોને તાત્કાલિક અસરથી સ્થળાંતર કરવાની ફરજ પડે છે. તેવા સમયે સુરત ફાયર વિભાગ દ્વારા યોગ્ય અને ઝડપથી કામગીરી કરવામાં આવે તે ખુબ જરૂરી બની રહે છે. જેને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા આગોતરું આયોજન કરી લેવામાં આવ્યું છે. જેથી કરીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન ઉભી થાય.