મુંબઈમાં ભારે વરસાદને લીધે રસ્તાઓ પાણીમાં ડુબ્યા
મુંબઈમાં ભારે વરસાદના કારણે ગાંધી માર્કેટ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. લોઅર પરેલ અને અંધેરી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આઇએમડીએ કહ્યું કે મુંબઈના ઘણા ભાગમાં ભારે વરસાદ વચ્ચે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શહેરમાં ટ્રેનો અને બસો પ્રભાવિત થઇ છે. નગર નિગમના અધિકારીઓએ કહ્યું કે મોસમના પ્રથમ વરસાદમાં ઘણા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી રહી છે.
કુર્લા, ચેમ્બુર, સાયન, દાદર, અંધેરી, હિન્દમાતા, પરેલ, કાલાચૌકી, હાજી અલી, ડોકયાર્ડ રોડ સહિત મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. રસ્તા પર પાણી ભરાવવાના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઇ છે. દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. શુક્રવારે સવારે છ વાગ્યે પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૧૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ૧૧ ઇંચ વરસાદ આણંદના બોરસદમાં નોંધાયો છે. સુરતના કામરેજમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે. સુરત શહેરમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામાં પણ સાત ઇંચ આસપાસ વરસાદ ખાબક્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના આઠ તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. ૨૭ તાલુકા એવા છે જ્યાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હોય તેવા તાલુકાની સંખ્યા ૫૩ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૭ જિલ્લામાં વરસાદ નોંધાયો છે.મહારાષ્ટ્રના મુંબઈમાં સતત ત્રણ દિવસથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે.
ભારે વરસાદના કારણે મુંબઈના ઘણા સ્થળો પર પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી રહી છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ છે. બુધવારથી મુંબઈમાં વરસાદ વરસી રહ્યો છે. બીએમસીએ કહ્યું કે શહેર અને ઉપનગરોમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે. મુંબઈમાં આજે અલગ-અવગ સ્થાને ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વરસાદના કારણે મુંબઈના સાયન-બાંન્દ્રા લિંક રોડ પર પાણી ભરાયા છે. મોસમ વિભાગે ૧ અને ૨ જુલાઇના રોજ શહેરના કેટલાક સ્થાનો પર ભારે વરસાદની ભવિષ્યવાણી કરતા યલ્લો એલર્ટ પણ જાહેર કર્યું છે.