ઉત્તર ભારતમાં સંખ્યાબંધ ટ્રેનો ધૂમ્મસના પગલે રદ, વિઝિબિલિટી શૂન્યની આસપાસ
હજુ વધુ ઠંડી પડવાની હવામાન ખાતાની આગાહી
સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી પડવાની સાથેાસાથ રેલવે ટ્રેક પર ગાઢ ધૂમ્મસ છવાઇ જતાં રેલવેને સંખ્યાબંધ ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી. રેલવેના પ્રવક્તાએ કહ્યું હતું કે ગાઢ ધૂમ્મસના પગલે વિઝિબિલિટી લગભગ શૂન્ય થઇ ગઇ હતી.
આવા સંજોગોમાં ટ્રેન દોડાવવાથી ગંભીર અકસ્માતો થવાની શક્યતા વધી જવાથી ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી. ખાસ કરીને દિલ્હી-ઉત્તર પ્રદેશ, દિલ્હી-બિહાર અને ઉત્તર ભારતનાં બીજાં ઘણાં શહેરોની રેલવે લાઇન પર વિઝિબિલિટી શૂન્ય જેવી થઇ જતાં ટ્રેનો રદ કરવામાં આવી હતી. પરિણામે હજારો લોકો ફસાઇ ગયા હતા. રેલવેએ કરેલી જાહેરાત મુજબ ૧૬મી ડિસેંબરથી ૩૧મી ડિસેંબર સુધી કેટલીક ટ્રેનો નહીં દોડે. જે પ્રવાસીઓને રિફંડ જોઇતાં હોય તે નજીકના સ્ટેશનનો સંપર્ક સાધી શકે છે એમ રેલવેના પ્રવક્તાએ કહ્યું હતું
બિહાર સાથે સંકળાયેલી લીચ્છવી એક્સપ્રેસ, યમુના એક્સપ્રેસ, અવધ-આસામ એક્સપ્રેસ વગેરે ટ્રેનો રદ કરવાની જાહેરાત રેલવેના પ્રવક્તાએ કરી હતી. આઠ ટ્રેન અઠવાડિયે એક વાર અને આઠ ટ્રેનો સંપૂર્ણપણે રદ એવી વ્યવસ્થા હાલ વિચારાઇ હતી. આવી ટ્રેનોમાં સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ, વૈશાલી એક્સપ્રેસ અને સત્યાગ્રહ એક્સપ્રેસનો પણ સમાવેશ થયો હતો.
બિહારના સમસ્તિપુર વિસ્તારની મોટા ભાગની ટ્રેનો રદ કરવાની રેલવેને ફરજ પડી હતી.