ગાંધીનગરમાં કચરામાંથી અદ્યતન પ્લાઝમા સિસ્ટમ વિકસાવાશે
ગાંધીનગર શહેરનો વધતો જતો કચરાનો નિકાલ મોટી સમસ્યા બની ગયો છે. ડમ્પીંગ સાઈટ ઉપર ઊભા થતાં પ્રશ્નો અને દુર્ગંધ સહિત પ્રદુષણના પ્રશ્નનો યોગ્ય ઉકેલ લાવવા માટે લાંબા સમયથી વિચારણા ચાલી રહી છે. તેમ છતાં શહેરમાંથી એકત્ર થતાં ટનબંધ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં અને પ્રદૂષણ ફેલાવા ન પામે તેની કાળજી રાખવામાં સફળતા મળી નથી.
શહેરી કચરા ઉપરાંત ગુડા વિસ્તારના ગામડાઓમાં ઉદભવી રહેલી કચરાની સમસ્યાનો પણ યોગ્ય ઉકેલ ઉભો કરવા પ્રયાસ થઇ રહ્યા છે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા એક ખાસ પ્રકારનું મશીન લાવવા બાબતે વિચારણા ચાલી રહી છે. આ મશીનમાં એકસો ટન જેટલા કચરાનું માત્ર એક ટન જેટલી રાખમાં રૂપાંતર થઈ જશે. પ્લાઝમા ટેકનોલોજીથી સજ્જ આ મશીનમાં ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ ન્યૂનતમ થાય છે. એટલું જ નહીં મશીનમાં આવશ્યક ઇંધણ માટે આસપાસના વાતાવરણમાંથી ઊર્જા મેળવીને તેનું ઇંધણમાં, મશીન પોતે જ રૂપાંતર કરી લેશે. ઉર્જા કન્વર્ટર દ્વારા ચાલનારા અદ્યતન મશીનની ગેસીફાયર સિસ્ટમને કારણે વાતાવરણમાં ધુમાડો કે પ્રદૂષણ ફેલાવાની સંભાવના નહીંવત રહેશે. આ સિસ્ટમ દ્વારા ટનબંધ કચરાનો સત્વરે નિકાલ કરવાનું સરળ રહેશે.
ઉલ્લેખનીય છે કે, ઘન કચરામાં સિરામિક, કાચ અને લોખંડ જેવા પદાર્થોનો નિકાલ કરવા માટે આ મશીન અસક્ષમ છે.રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વેસ્ટેઝ ડિસ્પોઝેબલ સ્કીમ માટે પોલ્યુશન ફ્રી સિસ્ટમ ઉભી કરવામાં આવશે. પ્લાઝમા ટેકનોલોજીથી સંચાલિત આ સિસ્ટમને કારણે ધુમાડા અને પ્રદૂષણની સમસ્યાનું નિવારણ થવા ઉપરાંત વીજળીની પણ મહત્તમ બચત કરી શકાશે અને કચરાનો નાશ કરી શકાશે.