કચ્છના લાખાપરમાં પાઇપ લાઈનમાં ભંગાળ થતા પાણીનો બગાડ
જિલ્લામાં નર્મદા જળનું વહન કરતી જીડબ્લ્યુઆઈએલની પાણીની પાઈપ લાઈનમાં આજે ફરી એક વખત ભંગાળ સર્જાયું છે. અંજાર તાલુકાના લાખાપર ગામ ખાતે પાઇપ લાઈનના એરવાલ્વમાં લીકેજ થતા પાણીના ફુવારા ઉડી રહ્યા છે.
એક તરફ ઉનાળાની ઋતુમાં પાણીની સમસ્યા લોકોને સતાવી રહી છે. ત્યારે બીજી તરફ પાણીની મુખ્ય લાઈનમાં જિલ્લાના વિવિધ સ્થળે લીકેજ સર્જાતા મહામુલું પાણી વેડફાતું રહે છે. જેના નિવારણ માટે સંબધિત તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરાય એવી માગ ઉઠી છે.
કચ્છને પીવાનું પાણી પૂરું પાડતી જીડબ્લ્યુઆઈએલની મુખ્ય પાણીની પાઇપ લાઈનમાં સમયાંતરે ભંગાળ સર્જાતું રહે છે. ત્યારે ફરી અંજાર તાલુકાનાં લાખાપર ગામના બસ સ્ટેન્ડ પાસે નર્મદાનું પાણી વહન કરતી પાઇપ લાઈનમાં ભંગાળ સર્જાયું છે. પાઇપલાઈનના એરવાલ્વમાં લીકેજ થતા ૨૦ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડી રહ્યા છે. જેના કારણે આસપાસ પાણીના ધોધ વહી નીકળ્યા છે અને હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સવારે સર્જાયેલા લિકેજના કારણે ફુવારા ઉડી રહ્યાનું જાણવા મળ્યું છે.