ગયા વર્ષ ની સરખામણી એ આ વર્ષે મે માસમાં તાપમાન ૪ ડિગ્રી વધ્યું, તેમજ હીટવેવમાં પણ વધારો નોંધાયો
આ વર્ષે મે માસના ગરમી જામી હતી અને ખાસ તો તા.૧૦ બાદ હીટ વેવ શરુ થતા તાપમાન ૪૧ ડિગ્રીથી ૪૪.૫ ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી નોંધાયું હતુ. જ્યારે ગત વર્ષે, ૨૦૨૧માં તો મે માસમાં આરંભે પણ ઓપન એર સર્ક્યુલેશનના કારણે ગરમી વધી ન હતી. જ્યારે મેના મધ્ય બાદ જ્યારે ભાવનગરનું સરેરાશ તાપમાન ૪૨થી ૪૪ ડિગ્રી સેન્ટીગ્રેડ થાય છે ત્યારે ૨૦૨૧માં તાઉતે વાવાઝોડાએ ભાવનગર શહેરમાં ૯ ઇંચથી વધુ વરસાદ વરસાવતા એક તબક્કે ૧૮ મેએ તો મહત્તમ તાપમાન ઘટીને ૨૭ ડિગ્રી થઇ ગયું હતુ. આમ આ વર્ષે મે માસમાં કાળઝાળ ગરમીનો પરચો ભાવેણાવાસીઓને મળ્યો અને સરેરાશ તાપમાન ૪૦.૩ ડિગ્રી નોંધાયું હતુ. આ વર્ષે મે માસના તા.૮થી ૧૪ મે સુધીના એક સપ્તાહમાં એવરેજ મહત્તમ તાપમાન ૪૨.૦૪ ડિગ્રી રહ્યું હતુ તે આ ગત વર્ષે ઘટીને ૩૮ ડિગ્રી થઇ જતા ગત વર્ષની તુલનામાં આ વખતે તાપમાન ૪.૦૪ ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ રહ્યું હતુ. ગત વર્ષે ૨૦૨૧માં ૪૦થી વધુ ડિગ્રી તાપમાન ભાવનગર શહેરમાં માત્ર બે જ વખત નોંધાયું હતુ જ્યારે આ વર્ષે શહેરમાં મે માસમાં ૨૧ વખત તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ નોંધાયું છે.
ગત વર્ષના મે માસની તુલનામાં આ વર્ષે મે માસમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો અને આ વર્ષે આ વર્ષે શહેરમાં મે માસમાં તાપમાન ૪ ડિગ્રી વધુ રહ્યું છે જેથી આખો મે માસ નગરજનો ગરમીમાં શેકાયા હતા. તુલના કરીએ તો ભાવનગરમાં ગત વર્ષે, ૨૦૨૧માં મે માસમાં સરેરાશ તાપમાન ૩૬.૩ ડિગ્રી હતુ તે આ વર્ષે વધીને ૪૦.૩ ડિગ્રી થઇ ગયું છે. તેના કારણમાં ગત વર્ષે મેના મધ્યમાં ભાવનગરમાં તાઉતે વાવાઝોડું આવેલું અને આથી ગરમી જામી ન હતી.જ્યારે આ વર્ષે ગરમ પવનનો કહેરથી મે માસમાં કાળઝાળ ગરમી વરસી હતી. ખાસ તો મે માસના ત્રીજા સપ્તાહમાં ભાવનગરમાં કાળઝાળ ગરમી પડે છે ત્યારે ગત વર્ષે તાઉતે વાવાઝોડાની અસરથી ગરમીને બદલે ચોમાસુ માહોલ જામેલો રહેતા તાપમાન ૪૧ ડિગ્રીને પણ પહોંચ્યું ન હતુ જ્યારે આ વર્ષે તો મહત્તમ તાપમાન ૧૧મી તારીખે વધીને ૪૪.૫ ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી આંબી ગયું હતુ. જે ભાવનગર શહેરમાં છેલ્લાં ૫ વર્ષની ગરમીનો વિક્રમ નોંધાયો હતો.
ગત વર્ષે મે માસમાં ભાવનગર શહેરમાં સરેરાશ તાપમાન ૩૬.૩ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આ વખતે ૪ ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને ૪૦.૩ ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા આ વર્ષે ગરમીના કારણે લૂ લાગવાના કિસ્સા વધી ગયા હતા.