ભરૂચના માલપુર ગામમાં બે મકાનોમાં ભીષણ આગ લાગતા ઘરવખરી બળીને ખાખ
જંબુસરના માલપુર ગામના જૂના સરપંચ ફળીયામાં આવેલા કનુભાઈ મગનભાઈ પરમાર તથા દેવજીભાઇ સોમાભાઈ પરમારના મકાનમાં આકસ્મિક આગ લાગી હતી. જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અગનગોળામાં પરિવર્તિત થઈ ગયેલા મકાનોમાં ઘરનું રાચરચીલું, અનાજ, રોકડ, ઘાસચારો અને કપડા સહિતનો સામાન ભસ્મીભૂત થઈ ગયો હતો. ગ્રામજનોએ તાત્કાલિક દોડી આવી આગ બુઝાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. આખરે મદદ માટે ઔદ્યોગિક એકમોને કોલ અપાયો હતો.
ઓએનજીસી તથા પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના ફાયર ફાઇટરોને મદદે બોલાવવામાં આવ્યા હતા. અંદાજિત બે કલાક બાદ આગ ઉપર કાબુ મેળવી શકાયો હતો. બનાવની જાણ જંબુસર મામલતદાર તથા કાવી પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો જંબુસરમાં ફાયર સ્ટેશન હોત તો વહેલી મદદ મળી રહેતા નુકશાની ઓછી થાત તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું અને જંબુસરમાં ફાયર સ્ટેશન ઉભુ કરવા માંગણી કરી છે.
જંબુસર તાલુકાના છેવાડાના માલપુર ગામમાં બે મકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં બે ઘરની ઘરવખરી અને પાક બળીને ખાક થઇ ગયો હતો. ફાયર વિભાગની ગાડીઓ બે કલાક રહીને આવતા ગ્રામજનોએ જંબુસરમાં ફાયર સ્ટેશન ઉભુ કરવા માંગણી કરી છે.