ટેન્કરથી ગેરકાયદે પાણી આપવાનો વીડિયો વાઈરલ થયો
વડોદરા શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જરૂરીયાતમંદ લોકોને ટેન્કર દ્વારા પૂરું પડાતાં પાણીનો ગેરકાયદે વેપલો કરાઈ રહ્યો હોવાનો ઓડિયો અને વીડિયો વાઇરલ થયો છે. જેમાં સરદાર એસ્ટેટ ટાંકીના કર્મચારી દ્વારા વચેટિયા સાથે વાત કરીને કઇ જગ્યાએ ટેન્કર મોકલવું છે અને તેના કેટલા રૂપિયા થશે તે જણાવાઈ રહ્યું છે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા છે અને લો-પ્રેશરથી પાણી મળી રહ્યું છે. પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર અમૃત મકવાણાએ જણાવ્યું હતું કે, પાણી પુરવઠાના કર્મચારી અબ્દુલ શેખને વિભાગે નોટિસ આપી છે. આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક કાઉન્સિલર આશિષ જોશીએ સભામાં અનેકવાર રજૂઆત કરી છે. સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી ટાંકી કમાન્ડ વિસ્તારની બહાર પાણી વિતરણ કરે છે. દક્ષિણ ઝોનને અપાતા પાણીના પગલે પણ પૂર્વ વિસ્તારમાં સમસ્યા છે, ત્યારે સરદાર એસ્ટેટ ટાંકીથી ગેરકાયદે પાણીની ટેન્કરનો વેપલો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. લોકોને પૂરતું પાણી મળી રહ્યું નથી અને પાણીનો ગેરકાયદે વેપાર થઇ રહ્યો છે. તંત્રમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે, જેના પગલે આગામી સમયમાં ભાજપના જ કાઉન્સિલરો દ્વારા ઉગ્ર રજૂઆતો થશે. પૂર્વ વિસ્તારમાં ઓછું પ્રેશર,ગંદું પાણી તથા ટેન્કરોની સમસ્યા છે, ત્યારે પાણી ચોરી ગંભીર છે. વિજિલન્સ તપાસની સાથે પોલીસ ફરિયાદ કરવી જોઈએ.