વડોદરામાં ફાયરબ્રિગેડની ગાડીમાં આગ લાગી

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં એચડીએફસી બેંકની સામે મુખ્ય રોડ ગટરમાં થતાં ગેસને કારણે એના ઢાંકણામાંથી આગની જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી, જેથી ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. જોકે આગ ગેસને કારણે લાગી હોવાથી એ હવામાં પણ પ્રસરેલી હતી. જેથી આગ ઓલવી રહેલા ફાયરબ્રિગેડના બંબાને પણ આગે લપેટામાં લઇ લીધો હતો. ફાયરબ્રિગેડની ગાડી એક ઢાંકણાથી નીકળતી આગની જ્વાળાઓ પર પાણી નાખી રહી હતી, ત્યારે ગટરના બીજા ઢાંકણામાંથી પણ આગ ભભૂકી હતી. એણે ફાયરબ્રિગેડની ગાડીને લપેટામાં લઇ લીધી હતી.

આગ ઓલવવા દરમિયાન પણ જ્યારે પાણીનો મારો ચલાવાયો તો એમાંથી ધડાકા થઇ રહ્યા હતા. જો કે બાદમાં ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો. વડોદરામાં ગટરના ગેસને કારણે સર્જાતી દુર્ઘટના નવી નથી. આ પહેલાં પણ ફેબુઆરી ૨૦૨૦માં અલકાપુરી રોડ પર જ શહેરના પોલીસ કમિશનર બંગલોની સામે જ સાંજના સમયે ગટરના ગેસને કારણે ધડાકા સાથે એકબાદ એક ગટરનાં સાત ઢાંકણાં ઊછળ્યાં હતાં.

આ ઘટનામાં એક કારનો કાચ તૂટી ગયો હતો અને એક કારના દરવાજો વળી ગયો હતો. ગત વર્ષે ઓગસ્ટ મહિના પણ ગટરના ગેસને કારણે વડોદરાના શિયાબાગ વિસ્તારમાં ઢાંકણામાંથી આગની જ્વાળાઓ નીકળી હતી, જેને ફાયરબ્રિગેડ દ્વારા ઓલવવામાં આવી હતી. આમ, વડોદરામાં ગટરમાં થતા ગેસને કારણે આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે, જે લોકો માટે જોખમી બની શકે છે.વડોદરાના અલકાપુરી રોડ પર એચડીએફસી બેંકની સામે મુખ્ય રોડ પર ગટરમાં થયેલા ગેસને કારણે આગ ભભૂકી હતી, જેથી ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે આગ ઓલવવા જતાં ફાયરબ્રિગેડની ગાડી જ સળગી ગઇ હતી. જોકે બાદમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.