રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધની અસરને કારણે ખાદ્યતેલમાં કૃત્રિમ અછત-તેજી જોવા મળી
સ્ટોક નિયંત્રણ અને રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધની અસરને કારણે આપણા દેશ માં ખાદ્યતેલમાં કૃત્રિમ અછત-તેજી જોવા મળી રહી છે. સ્ટોક નિયત્રંણ લાગુ કરીને નાના વેપારી, ઓઈલમિલરો પર લગામ કસવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે આયાતકારોને છૂટો દોર આપી દીધો છે. જેને કારણે હવે પરિસ્થિતિ એ થશે કે, આખે આખી માર્કેટ આયાતકારોના હાથમાં ચાલી જશે. આનાથી નાના વેપારીઓને બેવડો માર લાગુ થવાની સંભાવના છે.
હાલ બજારમાં ડિમાન્ડ નીકળે તો જ ઓઈલમિલરો ખરીદી કરે છે. અન્યથા કોઈ રિસ્ક લેવા માટે તૈયાર થતા નથી તેમ સૌરાષ્ટ્ર ઓઇલમિલ એસો.ના પ્રમુખ કિશોરભાઈ વિરડિયા જણાવે છે. સિંગતેલમાં રૂ.૪૦નો ભાવવધારો થતા હવે તેનો ભાવ રૂ.૨૫૦૦ સપાટી કુદાવીને રૂ. ૨૫૩૦ એ પહોંચ્યો છે. તેલના સતત વધતા જતા ભાવને કારણે સામાન્ય વર્ગને મોંઘા ભાવની ખરીદી કરવી પોષાય એમ નથી. આથી તેઓ જરૂરિયાત પૂરતી જ ખરીદી કરે છે. વેપારીઓના જણાવ્યાનુસાર હજુ એક મહિના સુધી કોઇ નવો માલ આવે તેવી કોઇ સંભાવના દેખાતી નથી. પામોલીન, કપાસિયા અને સરસવ તેલના ભાવમાં વધારો આવે તેવી સંભાવના છે. અત્યારે જે પામોલીન તેલ આવે છે તેનો ઉપયોગ બાયોડીઝલમાં થાય છે. જેથી આમ પણ તેની આવક ઓછી થઇ રહી છે.
વેપારીઓના જણાવ્યાનુસાર પોર્ટ પરથી નવા માલની આવક પહેલા કરતા ઘટી ગઇ છે, તો સ્થાનિક આંગણે થતા નવા સોદા પર બ્રેક લાગી છે. મોંઘા ભાવની ખરીદી કરવા હોલસેલર કે ઓઈલમિલરો કોઈ તૈયાર નથી. આ તકનો લાભ સટ્ટાખોરો લેતા કૃત્રિમ તેજી ઊભી થઇ છે. બીજી તરફ આયાતી તેલ મોંઘા બન્યા છે, તો તેની અસરને કારણે સિંગતેલ અને કપાસિયા તેલમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. બુધવારે ખાદ્યતેલમાં રૂ.૧૦થી લઇને રૂ.૭૦ સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.