સુરતમાં ફાસ્ટફૂડની દુકાનમાં આગ લાગતા દોડધામ
સુરતના સીમાડા નાકા સ્વાગત સોસાયટીમાં આવેલી એક ફાસ્ટ ફૂડની દુકાનમાં અચાનક આગ લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ આગ ફટાકડાના ગોડાઉનમાં લાગી હોવાની વાત સામે આવતા કાપોદ્રા, વરાછા અને પુણા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.
આગને કાબૂમાં લીધા બાદ તપાસ કરતા ફાસ્ટ ફૂડની દુકાનમાં રાખવામાં આવેલા ફટાકડા કોઈ પ્રસંગ માટે લવાયા હોવાનું બહાર આવ્યું હતું. આગ ફટાકડાની દુકાનમાં પહેલા માળે લાગી હોવાની માહિતી મળી હતી. જેથી પુણા, કાપોદ્રા અને વરાછા ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે દોડાવવામાં આવી હતી. માત્ર ૧૫-૨૦ મિનિટમાં જ આગ કાબૂમાં લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના સ્થળે ગયા બાદ પહેલા માળે એક દુકાનમાં ફટાકડા ફૂટતા હોવાના અવાજ બાદ ખબર પડી કે આગ પાછળનું કારણ શું હોય શકે, નીચે ફાસ્ટ ફૂડ અને ઉપર બેઠક વ્યસ્થા વાળી દુકાનમાં પ્રસંગને લઈ સ્ટોર કરાયેલા ફટાકડામાં તનખલો લાગતા આગ લાગી ગઈ હતી. આજુ બાજુની બે દુકાન અને પાછળનું એક ઘર આગની ઝપેટમાં આવે એ પહેલાં જ ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવવામાં સફળ થયા હતા. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ નહોતી