રસી ના લેનારાઓને સૌથી વધુ અસર થાય છે
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ ફરી એકવાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ડિસેમ્બરમાં જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન હવે ૨૮ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી રહી છે
.દિલ્હીમાં કોરોનાને કારણે ૧૩થી ૧૫ જાન્યુઆરીની વચ્ચે કુલ ૮૯ દર્દીઓના મોત થયા હતા, જેમાંથી માત્ર ૩૬ ટકા લોકોએ રસીના બંને ડોઝ લીધા હતા. સત્તાવાર આંકડાઓ અનુસાર ૧૩થી ૨૫ જાન્યુઆરીની વચ્ચે કોરોનાને કારણે કુલ ૪૩૮ દર્દીઓના મોત થયા હતા, જેમાંથી ૯૪ દર્દીઓ એવા હતા જેમના મૃત્યુનું મુખ્ય કારણ વાયરસનું સંર્ક્મણ હતું. માહિતી અનુસાર આ સમયગાળા દરમિયાન કોરોનાને કારણે જીવ ગુમાવનારા મોટાભાગના દર્દીઓ કિડની, કેન્સર અને ફેફસાં સંબંધિત અન્ય જીવલેણ રોગોથી પીડિત હતા.
દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર ૧ જાન્યુઆરીથી ૨૩ જાન્યુઆરી વચ્ચે કુલ ૨,૫૦૩ સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી હતી, જેમાંથી ૭૯ ટકા સેમ્પલમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ હતી. કોરોના મહામારીના બીજા ગંભીર લહેર દરમિયાન તબાહી મચાવનાર વાયરસના ડેલ્ટા વેરિઅન્ટની ૧૩.૭૦ ટકા નમૂનાઓમાં પુષ્ટિ થઈ હતી. બીજી તરફ ગુરુવારે દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. ગુરુવારે કોરોનાના ૪,૨૯૧ નવા કેસ નોંધાયા હતા. તે જ સમયે, બુધવારે દિલ્હીમાં કોરોનાના ૭,૪૯૮ નવા કેસ નોંધાયા હતા, જ્યારે મંગળવારે કોરોનાના ૬,૦૨૮ નવા કેસ નોંધાયા હતા. દિલ્હી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે ૩૪ દર્દીઓના મોત થયા છે. જ્યાં કોરોનાના તાજેતરના કેસોમાં ઘટાડાથી રાહત મળી છે, ત્યારે મૃત્યુઆંકે ફરી ચિંતા વધારી છે. ૪,૨૯૧ નવા કેસ આવ્યા બાદ રાજ્યમાં કુલ એક્ટિવ કેસ વધીને ૩૩,૧૭૫ થઈ ગયા છે.
ગત ૧૩ જાન્યુઆરીના રોજ ૯૪,૧૬૦ પર પહોંચ્યા બાદ દિલ્હીમાં એક્ટિવ કોરોના વાયરસ દર્દીઓની સંખ્યા માત્ર ૧૩ દિવસમાં અડધી થઈ ગઈ છે. તે જ સમયે કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા અડધી કરવામાં ૨૧ દિવસનો સમય લાગ્યો. જો કે કોરોનાની ત્રીજી લહેરમાં ૧૩ જાન્યુઆરીએ એક્ટિવ કેસની સંખ્યા વધીને ૯૪,૧૬૦ થઈ ગઈ, જે બુધવારે ઘટીને ૩૯ હજાર થઈ ગઈ. જોકે, કોરોનાની બીજી લહેર દરમિયાન સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ૨૮ એપ્રિલના રોજ વધીને ૯૯,૭૫૨ થઈ ગઈ હતી, જે ૧૯ મેના રોજ ઘટીને ૪૫,૦૪૭ થઈ ગઈ હતી.