હાઈકોર્ટે સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવાની જીપીસીબીએ મંજૂરી આપતા ઝાટકણી કાઢી
સાબરમતી નદીમાં પ્રદૂષણને સામે ગુજરાત હાઈકોર્ટ દ્વારા શુક્રવારે ફરીથી હાથ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીમાં હાઈકોર્ટના ધ્યાનમાં આવ્યું હતુ કે જીપીસીબી દ્વારા ઉદ્યોગોના ટ્રીટ કરાયેલા કેમિકલયુક્ત પાણીને ગટરમાં છોડવાની મંજૂરી આવી છે. આ મુદ્દા પર હાઈકોર્ટે જીપીસીબીની ઝાટકણી કાઢી છે. આ બાબતે હોઈકોર્ટ જીપીસીબીને ઝાટકણી કાઢતા જણાવ્યું કે એક તરફ અમે પ્રદૂષિત પાણીને સાબરમતી નદીમાં રોકવા માટે મહેનત કરી રહ્યાં છીએ, ત્યારે તમારા અધિકારીઓ આ રીતે પ્રદૂષિત પાણીને ગંદકી ઠાલવવાની મંજૂરી આપી રહ્યાં છે. હાઈકોર્ટ પ્રદૂષણ મુદ્દાનો ઉકેલ લાવવા માટે પૂરતા પ્રયત્નો કરે છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણના ભોગે કંપનીને ધંધો કરવાની મંજૂરી અપાશે નહીં. આ રીતે મંજૂરી આપનારા અધિકારીઓને ઑફિસમાં રહેવા માટેનો કોઇ અધિકાર નથી અને આ ઑફિસરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે.
આ સાથે હાઈકોર્ટે તે પણ ટાંક્યુ કે ઓનલાઇન મોનિટરિંગ કે જીપીસીબી પર વિશ્વાસ નથી. અને આ બાબતે ચોવીસ કલાક તપાસ કેવી રીતે શક્ય બને. શહેરની વચ્ચે રહેલા અનેક ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવે છે તેમને શહેરની બહાર ખસેડવા માટે સરકારે નીતિ બનાવવી પડે.
આ ઉપરાંત રહેણાંક સોસાયટીઓ કે જે સીધા તેના ગટર જોડાણ નદીમાં છોડી રહી છે કે મેગાપાઇપલાઇનમાં સાથે જોડાયેલી છે તેવા જોડાણ કાપી નાખવામાં આવે તેમ પણ હાઈકોર્ટ ફરી એકવાર નિર્દેશ આપ્યો હતો.