ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે નવસારી જિલ્લામાં ચીકુની નિકાસ કરતા ખેડૂતો ની ચિંતામાં વધારો
ગુજરાત માં શિયાળાની શરૂઆત સાથે વાતાવરણ માં બદલાવ અને કમોસમી વરસાદ ના કારણે ખેડૂતો ની ચિંતા માં મોટો વધારો કરી દીધો છે જેમાં દક્ષિણ ગુજરાત અને એમાં પણ નવસારી જિલ્લો ઉત્તમ ગુણવત્તાના ચીકુ માટે વર્ષોથી મોટો નિકાસકાર બની રહ્યો છે ત્યારે આ કમોસમી વરસાદ ના કારણે ખેડૂતો ની ચિંતા માં મોટો વધારો કરી દીધો છે. ઉચ્ચ ગુણવત્તાના ચિકુ દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક્સપોર્ટ થતા હોય છે અને આ ચીકુની ક્વોલિટી સારી માનવામાં આવે છે. લાભ પાંચમથી શરૂ થયેલી નિકાસને પગલે આ વર્ષે સારો ભાવ મળવાના કારણે ખેડૂતોમાં આનંદ હતો, ત્યારે આ આનંદ કમોસમી વરસાદને પગલે ખૂબ ઓછા સમય માટે ટકી શક્યો હતો. લાભપંચમથી શરૂ થયેલી ચીકુની અમલસાડ મંડળીમાં નવેમ્બરની ત્રીસ તારીખ સુધીમાં ૯૪ હજાર મણ ચીકુ આવ્યા હતા, જે રેકોર્ડ બ્રેક કહી શકાય. આ ચીકુની કિંમત રૂ. ૪ કરોડ ૨૫ લાખ જેટલી છે, જે માત્ર અમલસાડ મંડળીના ચીકુની છે. અન્ય મંડળીના ચીકુની કિંમત ગણવા જઈએ તો કરોડો રૂપિયાનું ટર્ન ઓવર કહી શકાય. નોંધનીય છે કે જિલ્લાની તમામ મંડળીઓ રોજના ૨૫થી ૨૭ હજાર બોક્સ દિલ્હીના માર્કેટમાં ઠાલવતી હોય છે. પરંતુ માવઠાના કારણે મંડળીઓ બંધ રાખવાનો લેવાયેલો ર્નિણય મંડળીની સાથે ખેડૂતોને પણ ખોટનો સોદો કરાવશે.
નવસારીનાં અમલસાડી ચીકુ સમગ્ર દેશમાં ખૂબ પ્રખ્યાત છે. પોતાના સ્વાદ માટે જાણીતાં આ ચીકુની ગુણવત્તા અને સ્વાદનો કોઈ તોડ નથી.ગુજરાતની સાથે સાથે દિલ્હી, પંજાબ તેમજ અન્ય રાજ્યોમાં નવસારી જિલ્લાના ચીકુ ટ્રેન અને ટ્રક મારફતે રોજ ઠલવાય છે. પરંતુ કમોસમી માવઠાએ પાકને ઘણું નુકસાન કરાવ્યું છે. એટલે સુધી કે કમોસમી વરસાદ જ્યાં સુધી વર્ષે ત્યાં સુધી જિલ્લાની શાખ ધરાવતી મંડળીઓ પણ બંધ રાખવાની નોબત આવી છે, જેના કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
અમલસાડ મંડળીના સેક્રેટરી આશિષ નાયકના જણાવ્યા મુજબ હાલમાં કમોસમી વરસાદને કારણે ઠંડો પવન વહી રહ્યો છે. જેને લઇને મંડળી બંધ રાખવાની ફરજ પડી છે. એક અઠવાડિયા બાદ ચીકુનું કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ આવી શકશે. થોડા દિવસો પહેલા આવેલા માવઠાને કારણે એટલી બધી નુકસાની થઈ નહોતી. પરંતુ હાલમાં જે રીતે વરસાદની સાથે ઠંડા પવનો વહી રહ્યા છે, તેના કારણે ચીકુની ગુણવત્તા બગડી શકવાની સંભાવના ઊભી થતા મંડળી બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.