સુરત મહાનગરપાલિકાએ રસીકરણની સાથે ટેસ્ટિંગ : ૧૮૪ સેન્ટર પર વેક્સિનની કામગીરી શરુ
સુરતમાં તહેવારો બાદ કોરોનાને માથું ઊંચકતો રોકવા પાલિકા દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. વેક્સિનેશનની સાથે ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. કોરોના કેસનો આંકડો વધીને ૧,૪૪,૦૦૦ થયો છે. મોલ, મલ્ટીપ્લેકસ, હોટલ-રેસ્ટોરન્ટ સાથે ગેમ ઝોન અને જીમમાં પણ રસી લીધી હોય તેને જ પ્રવેશ આપવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે જાહેર સ્થળો પર પણ વેક્સિન લીધી હોય તેને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બીજા ડોઝ માટે રસીકરણની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. આજે ૧૮૪ સેન્ટર પર રસીકરણ ચાલી રહ્યું છે.
શહેરમાં ૪ અને જિલ્લામાં ૦ કેસ સાથે શહેર જિલ્લામાં ગત રોજ કોરોનાના વધુ ૪ કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૪૪૦૦૦ થઈ ગઈ છે. શનિવારે શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક ૨૧૧૬ થયો છે. શનિવારે શહેરમાંથી ૩ અને જિલ્લામાંથી ૩ મળી ૬ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં ૧૪૧૮૫૪ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૩૦ થઈ છે.
તહેવારોની રજા પૂર્ણ થતાં જ ફરી રસીકરણ તેજ કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રથમ ડોઝ માટે ૩૧ સેન્ટર પર જ જ્યારે ૧૨૯ સેન્ટર પર બીજા ડોઝ માટે રસી અપાઈ રહી છે. જ્યારે ૮ સેન્ટર પર એપાઈન્ટમેન્ટ લેનારાને રસી અપાઈ રહી છે. ૨ સેન્ટર પર વિદેશ જનારા માટે ખાસ વેક્સિન અપાઈ રહી છે. જ્યારે ૧૪ સેન્ટર પર કોવેક્સિન આપવામાં આવી રહી છે. આજે ૧૮૪ જેટલા સેન્ટર પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે