મોટી આદરજના પરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા રોગચાળાની દહેશત : ગ્રામજનો પરેશાન
રાજય તેમજ ગાંધીનગરમાં છેલ્લા એકાદ સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે. તેમાં જિલ્લાના મોટી આદરજ ગામના કલ્યાણજીના પરામાં વરસાદી પાણીનો નિકાલ નહી થતાં ખાબોચીયા ભરાયા છે. વરસાદી પાણીથી રોગચાળો ફાટી નિકળે તેવી ચિંતા સ્થાનિક લોકોને સતાવી રહી છે. રોગચાળો ફાટી નિકળે તે પહેલાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવા સ્થાનિક લોકોમાં માંગ ઉઠવા પામી છે. ચાલુ વર્ષે ભલે વરૂણ દેવે રિસામણા લીધા હોય તેમ પડી રહેલા ઝરમર વરસાદ પરથી લાગી રહ્યું છે.
જોકે છેલ્લા એકાદ સપ્તાહથી છુટા છવાયા વરસાદી ઝાપટા જિલ્લાના વિસ્તારોમાં પડી રહ્યા છે. જેને પરિણામે વરસાદી પાણીનો નિકાલ નહી થવાથી ગામડાના રહેણાંક વિસ્તારોમાં નાના નાના તળાવો રચાયા છે. આવી સ્થિતિ જિલ્લાના આદરજ મોટી ગામમાં ઉભી થવા પામી છે.
આદરજ મોટી ગામના કલ્યાણજીના પરામાં વરસાદી પાણીનો નિકાલ નહી થતાં સ્થાનિકોમાં રોષ ઉઠવા પામ્યો છે. વરસાદી પાણીનો નિકાલ કરવા સ્થાનિક લોકોએ અનેક વખત રજુઆત કરવા છતાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવતો નથી. ભરાયેલા વરસાદી પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ થઇ રહી હોવાથી મચ્છરજન્ય રોગચાળો ફાટી નિકળે તેમ સ્થાનિક લોકોએ જણાવ્યું છે. રહેણાંક વિસ્તારમાં જ પાણી ભરાતા સ્થાનિક લોકોને અવર જવરમાં પણ હાલાકી પડી રહી છે. ત્યારે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળે તે પહેલાં ભરાયેલા વરસાદી પાણીનો તાકિદે નિકાલ કરવામાં આવે તેવી માંગણી સ્થાનિક લોકોમાં ઉઠી છે.