સરકાર કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડે તેવી શક્યતા
કેન્દ્ર સરકાર દ્વારા કોવિડશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનો તફાવત ફરી એકવાર ઘટાડી શકાય છે. જો કે, આ તફાવત માત્ર ૪૫ વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે ઘટાડવામાં આવશે. મિડિયા રિપોર્ટ મૂજબ, આ અંગેનો ર્નિણય આગામી બે સપ્તાહમાં લઇ શકાય છે. કોવિડ -૧૯ વર્કિંગ ગ્રુપના ચેરમેન ડો.એનકે અરોડાએ એક મુલાકાતમાં આ વાત કહી છે. આ ર્નિણય વૈજ્ઞાનિક પુરાવાના આધારે લેવામાં આવશે. હાલમાં, તમામ પુખ્ત વયના લોકો કોવિશિલ્ડ રસીનો પ્રથમ ડોઝ પ્રાપ્ત કર્યા પછી ૧૨ થી ૧૬ અઠવાડિયાના અંતરે બીજી રસી લગાવી રહ્યા છે.
દેશમાં રસીકરણની શરૂઆતમાં આ અંતર ૪ થી ૬ અઠવાડિયા સુધી રાખવામાં આવ્યું હતું. આ પછી ૪ થી ૮ અઠવાડિયા અને પછી ૧૨ થી ૧૬ અઠવાડિયા સુધી લંબાવવામાં આવ્યું. શરૂઆતમાં, બે ડોઝ વચ્ચેના તફાવત વિશે કોઈ વિવાદ નહોતો, પરંતુ જ્યારે આ તફાવત ૧૨ થી ૧૬ અઠવાડિયા સુધી લંબાવવામાં આવ્યો, ત્યારે તેને રસીઓના અભાવ સાથે પણ જોડવામાં આવ્યો હતો. જો કે, સરકારે કહ્યું કે આ ર્નિણય રસીઓના અભાવને કારણે નહીં પરંતુ રસીની અસરને કારણે લેવામાં આવ્યો છે. નિષ્ણાતોને ટાંકીને સરકારે કહ્યું કે બે ડોઝ વચ્ચેના અંતરને કારણે વધુ એન્ટિબોડીઝ પેદા થાય છે.
નિષ્ણાતોએ કહ્યું કે પ્રથમ ડોઝથી એન્ટિબોડીઝ વધુ પેદા થાય છે. આવી સ્થિતિમાં બીજો ડોઝ મોડો આપવો જોઈએ જેથી પ્રથમ ડોઝ તેનું કામ કરી શકે. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા અંતર વધાર્યાના થોડા દિવસો પછી જ એક નવી સ્ટડી બહાર આવી. જેમાં એવું કહેવામાં આવ્યું કે કોવિશિલ્ડનાં પ્રથમ ડોઝ કરતાં વધુ એન્ટિબોડીઝ પેદા થતી હોવાનું અનુમાન સંપૂર્ણપણે સાચું નથી. નોંધનીય છે કે અત્યારે દેશમાં કોવિશિલ્ડ, કોવૈક્સિન અને સ્પુતનિક રસી આપવામાં આવી રહી છે. દરમિયાન, દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ભય તીવ્ર બન્યો છે. છેલ્લા ઘણા દિવસોથી દેશમાં ૪૦,૦૦૦ થી વધુ નવા કોરોના કેસ મળી રહ્યા છે.