ગ્લોબલ વોર્મિગને કારણે ધરતી વિનાશ તરફ ધકેલાઈ જશે કે શું…..?
ગ્લોબલ વોર્મિંગને કારણે ધરતી પોતાની અંદરની ઠંડક સાથે ફળદ્રુપતા ગુમાવતી જાય છે જેને કારણે વિનાશ સર્જાવાની સંભાવના વધી પડી છે….. અને આ માટે માનવજાત જવાબદાર છે…..! માનવજાત જે ડાળ પર બેઠી છે તેના પરજ કુહાડા મારી રહી છે. જ્યારે કે વિશ્વ હવામાન સંસ્થાના વિજ્ઞાનીઓએ આગાહી કરેલ છે કે વિશ્વનું ૨૦૨૫ વર્ષ સૌથી ગરમ સાબિત થશે. તો બીજી તરફ વર્લ્ડ મિટિયરોલોજીકલ ઓર્ગેનાઈઝેશને એક રિપોર્ટ દ્વારા ચેતવણી આપી છે કે આવનાર પાંચ વર્ષમાં પૃથ્વીનું તાપમાન ૪૦ ટકા જેટલું વધી શકે….. અને જો આવું થાય તો તેને નાથવાના થઈ રહેલા પ્રયાસો પર પાણી ફરી વળે. ગરમી વધવાને કારણે સમુદ્રના પાણી ગરમ થશે તેમજ બર્ફીલા પ્રદેશોનો બરફ ઓગળવાની ગતિ વધી જશે તેથી વિશ્વભરના દરિયાની જળ સપાટી વધશે અને તેના કારણે વિશ્વના અનેક દેશોની જમીન પર દરિયાના પાણી ફરી વળશે તેમજ કેટલાક દેશોનું અસ્તિત્વ નહીં રહે….!
બીજી તરફ દરિયાના પાણી વધુ પ્રમાણમાં ગરમ થતા વાવાઝોડા ત્રાટકશે જે પૃથ્વી પરના દેશોને માટે નુકસાન દેહી બની રહેશે. ક્લાઈમેટ ચેઈન્જ સમગ્ર વિશ્વ માટે મોટો ખતરો બની ગયેલ છે. વિશ્વમાં ઘણા વર્ષોથી પૃથ્વીના વાતાવરણમાં થયેલા ફેરફારોને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તે સાથે વિશ્વના દેશોની બેઠકો વરસો વરસ યુનો ખાતે યોજાતી રહે છે જેમાં ગ્લોબલ વોર્મિગ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવે છે અને કાર્બનનું પ્રમાણ ઘટાડવા દરેક દેશો ઠરાવ કરે છે. પરંતુ વિશ્વભરમાં અનેક ઉદ્યોગો કાર્બન છોડી રહ્યા છે તે ઘટાડવા માટેના પ્રયાસો સફળ રહ્યા નથી… તો જે તે દેશો વિકાસની દોડમાં કાર્બન શોષતા વૃક્ષોનું નિકંદન કાઢતા રહ્યા છે, કેટલાક દેશો કાર્બન શોષી ભરપૂર ઓક્સિજન આપતા જંગલોનો સફાયો કરતા રહ્યા છે…. પરંતુ કાર્બન શોષણ કરતાં વૃક્ષોનું વાવેતર કરવાથી દૂર રહ્યા છે અને તેનું કારણ છે સ્વાર્થ, લોભ અને નફાની લાલચ……!!
વિશ્વના દિવસો કાર્બન ઉત્સર્જન ઘટાડવા ચિંતા કરતા રહ્યા છે પરંતુ કેવી રીતે ઘટાડવું તેનો ઉકેલ શોધી શક્યા નથી કે પછી મળ્યો નથી…. જેના કારણે ઉદ્યોગોથી માંડીને ઘરમાં વપરાતા બળતણના વપરાશથી ઉત્પન થતો ધૂમાડો હવાને પ્રદૂષિત કરી રહ્યો છે. ટૂંકમાં ધરતીના તાપમાન વધારાને અટકાવવા વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ જોઇએ તેના કરતા તેમાં બે ત્રતિયાસ કાર્બન આપણે મેળવી ચૂક્યા છીએ. ક્લાયમેન્ટ ચેન્જ રોકવા વિશ્વભરના દેશો ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનમાં ઓછપ કરવાનુ પોતે નક્કી કરેલ પ્રમાણનું લક્ષ્યાંક પુરું કરી દે છતાં ઔદ્યોગિક ક્રાંતિ અગાઉના સ્તરથી પણ ત્રણેક ડીગ્રી સેલ્સિયસ વધી જશે.
વૈજ્ઞાનિકોની ચેતવણી અનુસાર બૈ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટાડવા વિશ્વ સામે પડકાર ઊભો છે આવા સમયે વિશ્વના સુખી, સમૃધ્ધ રાષ્ટ્રો પર્યાવરણ કથળવાનો દોષનો ટોપલો ગરીબ દેશો પર ઢોળે છે પરંતુ આ સમૃધ્ધ દેશો પોતાના દેશના વાહનો અને ઉદ્યોગો દ્વારા ઓકાતા ઝેરી વાયુ પ્રદૂષણને રોકવા કોઈ કામ કરતા નથી કે પછી તેની દિશા નથી……! ત્યારે પૃથ્વીનું તાપમાન રોકવા દરેક દેશોએ યુદ્ધના ધોરણે જરૂરી આકરા ઉઠાવવા પડશે. નહીં તો….. પૃથ્વીનું તાપમાન રોકવાનું બેલગામ બની જશે જેના પરિણામે ધરતી વિનાશ તરફ ધકેલાઇ જશે…..!