વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. હવામાન વિભાગ દ્વારા વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યાના બે કલાકમાં વલસાડના ઉમરગામમાં ૮.૪૬ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દમણમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯.૪૮ ઇંચ વરસાદ વરસ્યો છે.

જિલ્લાના ઉમરગામમાં બે કલાકમાં ઉમરગામ – વાપીમાં ૯-૯ ઈંચ, વલસાડમાં ૬ ઈંચ વરસાદ પડ્યો છે. જલાલપોરમાં ૫ ઈંચ, નવસારીમાં ૪.૫ ઈંચ વરસાદ પડ્યો છે. ગણદેવીમાં ૪ ઈંચ, ચીખલીમાં ૩.૫ ઈંચ વરસાદ પડ્યો છે. સવારથી જ વલસાડ નવસારી પર મેઘો મહેરબાન થયો છે. વલસાડના વાપીમાં ૯ ઈંચ વરસાદ પડ્યો છે. ઉમરગામમા પણ નવ ઈંચ વરસાદ પડ્યો છે.

ભારે વરસાદના પગલે વલસાડ શહેરની શાકભાજી માર્કેટમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. શહેરના છીપવાડના દાણા બજાર અને નાની ખાત્રીવાડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. છીપવાડ રેલવે ગરનાળુ અને મોગરવાડી ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. શાકભાજી માર્કેટમાં વરસાદી પાણી ભરાવો થવાથી શાકભાજી વેંચતા વેપારીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઉમરગામ વિસ્તારમાં ૮ ઈંચ વરસાદ ખાબકતા ઉમરગામની પરિસ્થિતિ ગંભીર બની રહી છે.

જિલ્લામાં સવારથી ભારે પવન સાથે વરસાદ પડતાં ધરમપુર રોડ ઉપર આંબલીનું મહાકાય વૃક્ષ ધરાશાય થતા વલસાડ ધરમપુરનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો હતો. જેને લઈને એક કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક પ્રસાસન દ્વારા ઝાડ હટાવવાની કાનગીરી હાથ ધરવામાં આવી રહી છે. રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ઝાડને દૂર કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

સંઘ પ્રદેશ દમણમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દમણમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯.૪૮ ઇંચ વરસાદ વરસ્યો છે. દમણમાં ભારે વરસાદથી અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં દાભેલ ચેક પોસ્ટ તથા મોટી દમણ, મગરવાડા ઘડિયાળ સર્કલ પાસેના વિસ્તારો સહિત અન્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે.

નવસારી જિલ્લામાં છેલ્લા અનેક દિવસોથી બફારા અને ગરમીથી ત્રાસેલા લોકોને રાહત મળી છે. રાતથી વરસી રહેલા વરસાદને કારણે નવસારી શહેર અને અન્ય તાલુકા મેઘમહેર થઇ છે. જેના કારણે રોડ રસ્તા અને ઘરોમાં પાણી ભરાયા છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

હવામાન વિભાગ દ્વારા ૨૧મી જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી જાહેર કરાઈ છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી ૫.૩૧ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૧૯.૬૩ ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગત વર્ષે ૧૫ જુલાઇ સુધીમાં ૭.૯૧ ઈંચ સાથે મોસમનો ૨૮.૭૨ ટકા વરસાદ નોંધાયો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news