બુલેટ ટ્રેન માટે સાબરમતીથી વટવા સુધી ચાર હજાર વૃક્ષો કાપવામાં આવશે
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતીથી વટવા સુધીના રૂટમાં આવતા આશરે ૪ હજારથી વધારે વૃક્ષ હટાવવામાં આવશે. પર્યાવરણની જાળમણીના ભાગરૂપે એનએચએસઆરસીએલ દ્વારા ૯૦ સેન્ટીમીટરથી વધુ ઘેરાવવાળા વૃક્ષોને કાપી દેવામાં આવશે. જ્યારે ઓછા ઘેરાવવાળા વૃક્ષોને અન્યત્ર ખસેડી ફરીથી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.
સાબરમતીથી મુંબઈ સુધીના ૫૦૮ કિલોમીટરના રુટ પર આગામી સમયમાં બુલેટ ટ્રેન દોડશે. જેથી હાલ કામગીરી શરુ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે અમદાવાદ સહિત ગુજરાતમાં જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થયા બાદ જ્યાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે તે રૂટ પર એનએચએસઆરસીએલ દ્વારા પિલરની જગ્યાએ બંને તરફ આરઓડબ્લ્યુ પિલર (રાઈટ ઓફ વે પિલર) લગાવી દેવાયા છે.
સાબરમતીથી વટવા સુધી અમદાવાદ વિસ્તારની સાથે ગુજરાતમાં લગભગ ૯૫ ટકા જેટલી જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થતા આખા રૂટ પર જ્યાં કોઈ સમસ્યા નથી ત્યાં આરઓડબ્લ્યુ પિલર લગાવી દેવાયા છે. વધુમાં આ રૂટ પર આવતા નાના મોટા વૃક્ષો હટાવવાની કામગીરી પણ હાલ એનએચએસઆરસીએલ દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે.