વેજલપુર ક્રોસિંગ પાસે આગની ઘટનાઃ દરેક પરિવારને ૨૫ લાખનું વળતર ચૂકવવા માંગ
અમદાવાદમાં મંગળવારે વેજલપુર ક્રોસિંગ પાસે સૂર્યનગર વસાહતમાં આગની ઘટનામાં અસરગ્રસ્ત દરેક પરિવારને ૨૫ લાખનું વળતર આપવાની માંગ કરાઇ છે. નવસર્જન ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી આગથી આર્થિક રીતે પડી ભાંગેલા વાલ્મિકી સમાજના લોકોને સહાય કરવા રજુઆત કરવામાં આવી છે.
કાંતિ પરમારે પત્રમાં તાકિદે મદદની માગ સાથે જણાવ્યું છે કે સૂર્ય નગરમા અનુસૂચિત જાતિના વાલ્મિકી સમાજના ૩૦ ઝુંપડાઓમાં આગ લાગતા તેમની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. જેથી આ કિસ્સામાં પીડિત પરિવારોની રહેવા-જમવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવા સાથે આગથી થયેલ નુકસાન સામે દરેક પરિવારને રુ.૨૫ લાખનું વળતર ચૂકવવા અમારી ન્યાયનાં હિતમાં માંગણી છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે હાલમાં ગુજરાતમા અને દેશ તેમજ વૈશ્વિક લેવલ પર વૈશ્વિક કોવિડ -૧૯ ની મહામારી ચાલી રહી છે. તેવામાં મોટાભાગના લોકો લોકડાઉનમાં પોતાનો ધંધો વ્યવસાય ગુમાવી બેઠા છે અને બેરોજગાર બની ગયા છે. પડતા પર પાટુ કહો કે જે સૂર્યનગરમાં અનુસૂચિત જાતિના ૩૦ પરિવારોના ઝુંપડા અચાનક આકસ્મિક આગ લાગતા બળીને ખાખ થઇ ગયા.