રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે કાળઝાળ ગરમી, ૬ શહેરોમાં પારો ૪૨ ડિગ્રીને પાર
રાજ્યમાં એક તરફ કોરોનાનો આંક રોજ ૧૦ હજારનો આંક પાર કરી રહ્યો છે, તો બીજી તરફ ગરમીનો પારો પણ વધી રહ્યો છે. રાજ્યનાં ઘણા શહેરો એવા છે જ્યા ગરમીથી પારો ૪૦ ડિગ્રીથી પણ ઉપર પહોંચી ગયો છે. ત્યારે દિવસે પડી રહેલી આવી કાળઝાળ ગરમીમાં લોકો કામ વિના બહાર જવાનુ ટાળી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે, રાજ્યનાં ૬ શહેરોમાં ગરમી ૪૨ ડિગ્રીને પાર પહોંચી ગઇ છે. રાજ્યમાં અમદાવાદ-સુરેન્દ્રનગરમાં ૪૨.૮ ડિગ્રી તાપમાન, વડોદરામાં ૪૧.૪ ડિગ્રી મહત્તમ તાપમાન, સુરતમાં ૩૬.૬ ડિગ્રી મહત્તમ તાપમાન, રાજકોટમાં મહત્તમ ૪૨.૧ ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં મહત્તમ ૪૨.૫ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. વળી મળી રહેલી માહિતી અનુસાર, બે દિવસોમાં ગરમીમાં આંશિક ઘટાડો પણ નોંધાઇ શકે છે. વળી બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છનાં અને દરિયાઈ વિસ્તારમાં હાલ સાઈક્લોનિક સક્ર્યુલેશન સર્જાઈ રહ્યું છે. જેને લઈને વાતાવરણમાં પણ અસર જાેવા મળી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી ઉપર જ જાેવા મળી રહ્યું છે ત્યારે લોકો ગરમીથી ખુબ જ અકળાઇ ગયા છે .જાે કે બપોર બાદ વાદળછાયું વાતાવરણ હોય છે પરંતુ આ કારણે પણ ભારે ઉકળાટ અનુભવાય છે. આગામી બે દિવસમાં પવનની ગતિ ૩૦ થી ૪૦ કિ.મી. પ્રતિ કલાકની થાય તેવી શકયતા છે.
હવે આગામી ૨ દિવસ દરમિયાન ૩૦ થી ૪૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને જૂનાગઢ અને અમરેલીમાં પણ છુટાછવાયા ગામોમાં હળવા ઝાપટા પણ પડી શકવાની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ શહેરનું ન્યુનત્તમ તાપમાન ૨૬ ડિગ્રી નોંધાયું હતું અને હવામાન ભેજનું પ્રમાણ પણ સતત વધઘટ થઈ રહ્યું હતું. સવારનાં સમયે લગભગ ૭૪ ટકા અને સાંજનાં સમયે ૧૧ ટકા ભેજનું પ્રમાણ જોવા મળ્યું હતું. ત્યારે હવાની ગતિમાં પણ બદલાવ જાેવા મળ્યો હતો. સવારનાં ૧૫ કિ.મી. પ્રતિકલાક અને સાંજનાં ૧૩ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણ ડ્રાય રહેશે. બીજી તરફ ન્યુનતમ તાપમાન અને હવામાં ભેજનું પ્રમાણ વધતાં સાંજનાં સમયે ઠંડા પવનની પણ લોકોને અનુભુતિ થાય છે. આગામી ૧૫ મે બાદ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવીટીનો પ્રારંભ થવાની પૂરી સંભાવનાઓ છે.