દાહોદ-મહિસાગર જિલ્લામાં જમીન કલમ 73 AAની એકપણ જમીન બીજાના નામે NA થઈ નથી : મંત્રી બલવંતસિંહ રાજપૂત
રાજ્યભરમાં આદિવાસીઓની જમીનના અધિકારોની રક્ષણ માટે સરકાર કટિબદ્ધ છે. છેલ્લા બે વર્ષમાં દાહોદ અને મહિસાગર જિલ્લામાં જમીન મહેસૂલ કાયદાની કલમ 73 AAની એકપણ જમીન બીજાને નામે થઈ નથી તેમ, આજે ધારાસભ્ય દ્વારા પુછાયેલા પ્રશ્નનો મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ વતી વિધાનસભા ગૃહમાં જવાબ આપતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
મંત્રી બલવંતસિંહ રાજપૂતે વધુ માહિતી આપતા કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જૂન ૨૦૦૬માં આદિવાસી સમાજના હિતમાં જમીન મહેસૂલ કાયદાની કલમ 73 AA હેઠળ કલેકટર અને DDOને વિશેષ સત્તા આપવામાં આવી છે, જેમાં કોઈ વ્યક્તિ કલેક્ટર અને DDOની પરવાનગી વિના જમીન અન્યને વેચાણ કરે તો તેને પરત મળે છે અને વેચાણ કરનારને સજા પણ કરવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 73 AAની તમામ પ્રક્રિયા iORA અંતર્ગત ઓનલાઈન કરવામાં આવી છે જેના પરિણામે સમગ્ર પ્રક્રિયા વધુને વધુ પારદર્શી બની છે.
મંત્રી બલવંતસિંહ રાજપૂતે પૂછાયેલા પેટા પ્રશ્નનો પ્રત્યુતર પાઠવતા કહ્યું હતું કે, 73 AAની અંતર્ગત આદિવાસીઓને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. જેમાં સહકારી પ્રવૃત્તિઓ,ઔદ્યોગિક હેતુ, પેટ્રોલ પંપ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા જમીન આપવામાં આવે છે.