રૂલ-9 પર્યાવરણ માટે આશીર્વાદ કે અભિશાપ?
- ગુજરાતના કેમિકલ ઉદ્યોગ હઝાર્ડસ વેસ્ટ માટે લેવલ પ્લેઇંગ ફિલ્ડની કરી રહ્યો છે માંગ
- અનુભવી ટેક્નિકલ સ્ટાફ અને જરૂરી સંખ્યામાં માનવબળની ખોટ વર્તાઈ રહેલ હોવાથી ઔદ્યોગિક એકમો દ્વારા તેનો ગેરલાભ ઉઠાવવામાં આવે છે.
- રૂલ-9ના નિયમો થકી પર્યાવરણની જાળવણી અને ઔદ્યોગિક પ્રગતિ
ગુજરાતના કેમિકલ ઉદ્યોગમાં હઝાર્ડસ વેસ્ટને લઇને ચર્ચાએ જોર પકડ્યું છે. જ્યાં નીતિ-નિયમોમાં કેટલાંક ફેરફારની માંગ કેમિકલ ઉદ્યોગ દ્વારા કરવામાં આવી છે. હઝાર્ડસ વેસ્ટના નિયમોમાં ફેરફાર કરવામાં આવે તો પર્યાવરણીય દ્રષ્ટિએ ખૂબ જ ગંભીર પરિણામો આવી શકે છે.
હઝાર્ડસ વેસ્ટને લઇને કેન્દ્રીય પ્રદૂષણ નિયત્રણ બોર્ડ દ્વારા કેટલાંક નિયમો ઘડવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઔદ્યોગિક ઉત્પાદન દરમિયાન ઉત્પન્ન થતા અમુક જોખમી કચરા અન્ય ઉદ્યોગોના ઉત્પાદનમાં વાપરવા માટે રૂલ-9 હેઠળ 112 જેટલી સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિઝર એટલે કે એસઓપી જાહેર કરવામાં આવેલ છે. આ એસઓપીનો હેતુ પર્યાવરણને ખૂબ જ હાનિ પહોંચાડતા જોખમી કચરાના પ્રદૂષણને ઘટાડી શકાય તે રહેલો છે. આમ રૂલ-9 પર્યાવરણને થતુ નુકશાન ઘટાડી ઔધ્યોગિક પ્રગતિ કરવા માટે બનાવાયેલ નિયમ છે.
રૂલ-9નું પાલન કરાવવું એ હિતાવહ ભૂમિકા
રૂલ-9નો નિયમનું અમલીકરણ પર્યાવરણ માટે એક આશીર્વાદ સમાન છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર પાડવામાં આવેલ એસઓપી અન્વયે ઔદ્યોગિક એકમ દ્વારા રૂલ-9 અંતર્ગત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને અરજી કરવામાં આવે છે. આ અરજીની કમિટી દ્વારા ચકાસણી કરી યોગ્ય જણાતા મંજૂરી આપવામાં આવે છે. જોકે, આ મંજૂરી આપ્યા બાદ હવે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ખરી જવાબદારી શરૂ થાય છે કારણ કે જો આ મંજૂરી પ્રાપ્ત ઔદ્યોગિક એકમ દ્વારા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ નિયમોનું ચુસ્તપણે પાલન કરી જોખમી કચરાનું વ્યવસ્થાપન કરવામાં ન આવે તો તે પર્યાવરણ માટે અભિશાપ બની જાય છે. રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે ઔદ્યોગિક એકમો દ્વારા રૂલ-9ના નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં તેનું મોનિટરિંગ કરવા માટે જરૂરી અનુભવી ટેક્નિકલ સ્ટાફ અને જરૂરી સંખ્યામાં માનવબળની ખોટ વર્તાઈ રહેલ હોવાથી ઔદ્યોગિક એકમો દ્વારા તેનો ગેરલાભ ઉઠાવવામાં આવે છે.
હાલમાં ગુજરાત સ્થિત કેમિકલ ઉદ્યોગ દ્વારા હઝાર્ડસ વેસ્ટના નિયમોમાં સમાનતાની માંગ કરવામાં આવી છે. ગુજરાત સ્થિત કેમિકલ ઉદ્યોગ જોખમી કચરાના ઉત્પાદનો માટે સમાન સ્તરની માંગ કરી રહ્યો છે કારણ કે અન્ય ઘણા રાજ્યો આ જોખમી કચરાને બાય-પ્રોડક્ટ તરીકે ગણે છે, જે ગુજરાતના ઉદ્યોગને આર્થિક નુકસાન પહોંચાડે છે. એક સેમિનારમાં બોલતા ઉદ્યોગ નિષ્ણાતોએ જણાવ્યું હતુ કે ઇન્ડસ્ટ્રી એક્સપોર્ટ માર્કેટને લઇને અનેક તકો ધરાવે છે, પરતું કાયદાના અમલીકરણમાં એકરૂપતા હોવી તે જરૂરી છે.
એક અગ્રણી અંગ્રેજી વર્તમાન પત્રમાં પ્રકાશિત થયેલ સમાચાર અનુસાર ગુજરાત કેમિકલ એસોસિયેશન દ્વારા આયોજિત નેશનલ કેમિકલ કોનક્લેવ 2024ને સંબોધતા વટવા ગ્રીન એન્વાયર્નમેન્ટ કો-ઓપરેટિવ સર્વિસ સોસાયટી લિમિટેડના સીઈઓ દિપક દાવડાએ જણાવ્યું હતું કે, “ગુજરાત દેશનું કેમિકલ હબ છે, પરંતુ રાજ્ય સ્થિત કેમિકલ એકમો જોખમી અને અન્ય કચરાના નિયમો 2016ના નિયમ રૂલ-9ના નિયમને કારણે સહન કરવુ પડી રહ્યુ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા જાહેર કરવામા આવેલ નિયમોનુ GPCB અને ગુજરાત સ્થિત રાસાયણિક એકમો ચુસ્તપણે પાલન કરે છે, જ્યારે અન્ય રાજ્યો ઘણા જોખમી કચરાને ‘બાય- પ્રોડક્ટ’ તરીકે ઓળખાવે છે. જેના કારણે ગુજરાતના કેમિકલ ઉદ્યોગોને લેવલ પ્લેઇંગ ફિલ્ડ (સમાન ઔદ્યોગિક કાર્યક્ષેત્ર)મળતું નથી. કાયદાનો એકસરખો અમલ થવો જોઈએ.” દિપક દાવડા આ મંચ પરથી રાજ્ય સરકારને જો અન્ય રાજ્યોની જેમ અન્ય જોખમી કચરાને બાય-પ્રોડક્ટ તરીકે જાહેર કરવામાં નહિ આવેતો કેમીકલ ઉધ્યોગો અન્ય રાજ્યોમા સ્થળાંતરિત થઈ જશે તેવી ગર્ભિત ચેતવણી આપી રહ્યા હોવાનુ ચર્ચાઇ રહેલ છે. જે ખૂબ જ ખેદજનક બાબત છે. રૂલ-9ના નિયમોનું પાલન ના કરનારા અન્ય રાજ્યોનું ઉદાહરણ આપી અત્રે નિયમોમાં છૂટછાટ માંગવા કરતા જે રાજ્યો રૂલ-9ના નિયમોનું પાલન નથી કરતા ત્યાં પાલન કરાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર અને ન્યાયતંત્રમાં સબળ રજૂઆત કરી સમાન નિયમોનું પાલન કરાવવું જોઈએ જેથી લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળી શકે.
ગુજરાત કેમિકલ ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર
ભારતની વાત કરીયે તો કેમિકલ ઉત્પાદનમાં ગુજરાત વર્ષોથી અગ્રેસર છે. એમ કહી શકાય કે દેશમાં બનતાં કુલ કેમીકલ, ફાર્મા, ડાઇઝ વગેરેના 50-60% ફક્ત ગુજરાતમાં જ ઉત્પાદન થાય છે. ઉત્પાદન વધુ થતું હોય તો સ્વાભાવિક છે કે જોખમી કચરો પણ સૌથી વધારે ઉત્પન્ન થાય માટે જ તો દેશમાં સૌથી વધારે સીઇટીપી, ટીએસડીએફ અને એને લગતી કોમન ફેસીલીટી ગુજરાતમાં હોવાથી આ તમામ બાબતો અને જરૂરિયાતને ધ્યાને લઇને જ નિર્માણ કરવામાં આવ્યું છે.
કેંદ્ર સરકારના રૂલ-9 માટે જે જોગવાઈઓ કરવામાં આવી છે તે દરેક રાજ્યને એકસરખી લાગુ પડે. કોઇ રાજ્ય કેંદ્ર સરકારના કાયદાનો ભંગ કરી ખોટા અર્થઘટન કરી કાયદાને તોડી મરોડી શકે નહી. કેંદ્ર સરકારના રૂલ-9 માટે જોગવાઈઓ કરાવામાં આવી છે, તેનાં પાલન થકી આપણે રાજ્યનું પર્યાવરણ સુરક્ષિત રાખી શકીશું અને રાજ્યનું પર્યાવરણ સુરક્ષિત રાખવાની જેની સૌ પ્રથમ ફરજ છે એ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પોતાની ફરજો યોગ્ય રીતે બજાવે એ જોવાની જરૂરીયાત સુયોગ્ય વહીવટ કરતી રાજ્ય સરકારની છે જેથી જાહેર જનતાની સુખાકારી જળવાઇ રહે. રાજ્યમાં આમ પણ 20 કરતા વધારે નદીઓ પ્રદૂષિત પાણીના કારણે પ્રદૂષિત બની છે, તેમાં રૂલ-9નું યોગ્ય પાલન નહીં થાય તો લોકો પોતાનો જોખમી કચરો બેરોકટોક ગમે ત્યાં ફેંકી જમીન અને જળને પણ પ્રદૂષિત કરશે.