પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી રાજ્યમાં 13 માર્ગોની સુધારણા કરાશે
- રાજ્યમાં 13 માર્ગોની સુધારણા કરવામાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરાશે
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત રૂ. 112.50 કરોડ રૂપિયા 105 કિલોમીટર લંબાઇમાં રસ્તાના મજબૂતીકરણ માટે ફાળવવા મંજૂરી આપી
- પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી પર્યાવરણ સુધારણા સાથે રસ્તાની લાઈફ સાઇકલમાં વૃદ્ધિ થશે
- ભારે ટ્રાફિક ધરાવતા અને ચોમાસામાં ઓવર ટોપીંગ થતા કુલ 20 માર્ગોના 93.33 કિલોમીટર રસ્તા સી . સી રોડ બનાવવા 300.57 કરોડ ફાળવ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રસ્તાઓના બાંધકામમાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી ટકાઉ માર્ગોના નિર્માણ સાથે પર્યાવરણ સુધારણા અંગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ હેતુસર મુખ્યમંત્રીએ 13 રસ્તાઓની કુલ 104.96 કિ.મી. લંબાઇની માર્ગ સુધારણા માટે રૂ. 112.50 કરોડ ફાળવ્યા છે. એટલું જ નહિ, ભારે ટ્રાફિક ધરાવતા તેમજ ચોમાસા દરમિયાન ઓવરટોપીંગ થતા હોય તેવા કુલ 20 રસ્તાઓના 93.33 કિ.મી. લંબાઇના માર્ગો સી.સી. રોડના બનાવવા માટે 300.57 રૂપિયા મંજૂર કર્યા છે.
નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 7મી ઑક્ટોબર 2001ના દિવસે કાર્યભાર સંભાળીને રાજ્યના વિકાસને નવી દિશા આપી છે. આ સફળ સુશાસનના 23 વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી ‘વિકાસ સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે. વિકાસ સપ્તાહની આ ઉજવણીમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, નવા વિકાસ કામોની મંજૂરીના ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી માર્ગોની સુધારણાનો આ પર્યાવરણ પ્રિય અભિગમ અપનાવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લાસ્ટિક વેસ્ટના આવા નિર્માણ કાર્યોમાં વધારેને વધારે ઉપયોગ દ્વારા વિકસિત ભારત માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું વિઝન આપેલું છે. તેમના આ વિઝનને સાકાર કરવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને અગ્રેસર બનાવવાના હેતુથી માર્ગ સુધારણા માટેના કામોમાં પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે. પ્લાસ્ટિક વેસ્ટનો માર્ગ સુધારણા અને નવ નિર્માણમાં ઉપયોગ આવનારા દિવસોમાં પર્યાવરણ સુધારણાની દિશામાં મહત્વપૂર્ણ બનશે.
આ ઉપરાંત માર્ગોની મજબૂતી વધારવા સાથોસાથ રોડની લાઈફ સાયકલમાં પણ વૃદ્ધિ થશે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ધ્યેય પાર પડશે.