ગામડાં-શહેર સ્વચ્છ રહે, સ્વસ્થ રહે તે પૂજ્ય ગાંધીબાપુને આપણી યથાર્થ શ્રદ્ધાંજલિ : મંત્રી બલવંતસિંહ રાજપૂત
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪’ કાર્યક્રમ યોજાયો
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે આયોજિત સ્વચ્છતા હી સેવા- ૨૦૨૪ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના કેબિનેટ મંત્રી(ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર) બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આપણા ગામડા – શહેર સ્વચ્છ રહે, સ્વસ્થ રહે તે પૂજ્ય ગાંધીબાપુને આપણી યથાર્થ શ્રદ્ધાંજલિ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશ સ્વચ્છતાની બાબતમાં વૈશ્વિક માનાંકને અનુસરતા થયા છે. આપણા નગર – મહાનગરોની સુંદરતા અને સ્વચ્છતા વૈશ્વિક કક્ષાની બની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૪માં દેશભરમાં શરૂ કરાવેલા ‘સ્વચ્છ ભારત મિશન’ની સફળતાના ૧૦ વર્ષની ઉજવણી તેમજ ગાંધી બાપુની જન્મ જયંતીના ઉપલક્ષમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ રૂપે મંત્રી રાજપૂતે ‘કચરો કરવો નહિ અને કરવા દેવો નહી’ તેવી ટેવ અનુસરવાનું આહ્વાન ઉપસ્થિતોને કર્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાની સાથે પર્યાવરણની જાળવણીનો સંદેશ પણ આપ્યો છે. દેશના ક્લીન અને ગ્રીન ગ્રોથ માટે વડાપ્રધાન સતત કાર્યરત છે.
તેમણે ઉમેર્યું કે, પાછલા ૧૫ દિવસમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટેના લાખો કાર્યક્રમો ગુજરાત સહિત દેશભરમાં થયા છે. સ્વચ્છતાકર્મીઓ અને સૌ નાગરિકોએ વિવિધ કાર્યક્રમોમાં જોડાઈને વડાપ્રધાનના સંકલ્પને સાકાર કર્યો છે.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પાછલા દસ વર્ષમાં ભારતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આવેલા અનેક મોટા પરિવર્તનો જોયા છે. સ્વચ્છતા અભિયાન તેમાંનું એક મોટું મિશન છે. તેમણે કહ્યું કે, સ્વચ્છતા અભિયાનથી દેશમાં સાફ-સફાઈ, ચોખ્ખાઇનું એક આંદોલન ખડું થયું છે. સાથે-સાથે જન માનસમાં મોટો બદલાવ આવ્યો છે તે સૌથી અગત્યની બાબત છે.
સ્વચ્છતા અભિયાનને પોઝિટિવ રીવોલ્યુશન ગણાવી મંત્રીએ કહ્યું કે, પૂજ્ય ગાંધીબાપુ સ્વચ્છતાના આગ્રહી હતા. ભારત આઝાદ દેશ બને સાથે-સાથે સ્વચ્છ સુઘડ રાષ્ટ્ર બને તેવું તેમનું સપનું હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગાંધીજીના આવા વિચારોને અને બાપુના જીવનને વધુ લોકો સુધી પહોંચાડવા માટે ગાંધી આશ્રમનું રિ-ડેવલપમેન્ટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં થઈ રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ જ રિ-ડેવલોપ્ડ ગાંધી આશ્રમ પણ હજારો લોકો માટે રોજગારનું કેન્દ્ર અને લાખો લોકો માટે પ્રવાસનનું ધામ બની રહેશે.
સ્વચ્છતાની ટેવો અનુસરવા અંગે અપીલ કરતાં મંત્રીએ કહ્યું કે, આપણે સફાઈના કામમાં સ્વચ્છતા કર્મીને કદાચ મદદ ન કરી શકીએ પરંતુ ગંદકી કરીને, કે કચરો જ્યાં ત્યાં ફેંકીને સ્વચ્છતા કર્મીનું કામ વધારવું ન જોઈએ. રોજ નિશ્ચિત સમય આપણા ઘર અને કાર્યસ્થળ આસપાસ સ્વચ્છતા માટે ફાળવવો, જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ આગામી નવરાત્રી મહોત્સવ સહિતના તમામ તહેવારોમાં સ્વચ્છતાનો ખયાલ રાખી પર્વો ઉજવવાનું આહવાન રાજ્યના સૌ નાગરિકોને કર્યું હતું.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમદાવાદના ગ્રામીણ ક્ષેત્રમાં ‘સ્વચ્છતા હી સેવા- ૨૦૨૪’ ના મુખ્ય ત્રણ સ્તંભ અંતર્ગત કરેલી શ્રેષ્ઠ કામગીરી બદલ ધોળકા તાલુકા પંચાયત, દસક્રોઇ તાલુકાની સિંગરવા ગ્રામ પંચાયત, બાવળા તાલુકાની જીવાપુર-રૂપાલ ગ્રામ પંચાયત, ધંધુકા તાલુકાની રાયકા ગ્રામ પંચાયતને તથા દસકોઈ તાલુકાની એનાસણ ગામની પ્રાથમિક શાળાને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ‘સ્વચ્છતા હી સેવા- ૨૦૨૪’ અંતર્ગત આયોજીત વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સફાઈના કર્તવ્યને સુપેરે ઉપાડનારા સફાઈ કામદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે સૌએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યો હતો.
આ પ્રસંગે મેયર પ્રતિભાબેન જૈન, સંસદસભ્ય હસમુખભાઈ પટેલ, દિનેશભાઈ મકવાણા, નરહરિ અમીન, ધારાસભ્ય બાબુભાઈ પટેલ, અમિતભાઈ પી. શાહ, જીતેન્દ્રભાઈ પટેલ, ડૉ. હર્ષદભાઈ પટેલ, અમુલભાઈ ભટ્ટ, અમિતભાઈ ઠાકર, કૌશિકભાઈ જૈન, દિનેશસિંહ કુશવાહ, બાબુસિંહ જાદવ, દર્શનાબેન વાધેલા, કંચનબેન રાદડીયા, ડૉ. પાયલબેન કુકરાણી, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી સહિતના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી. કે., જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, મ્યુનિસિપલ કમિશનર થેન્નારસન આ કાર્યક્રમમાં જોડાયા હતા.