કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ગાંધીધામ આઈ.ટી.આઈ.ની મુલાકાત લીધી
આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓ સાથે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતનો સંવાદ
ભુજઃ ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત કચ્છ જિલ્લાના પ્રવાસે છે. આજરોજ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ગાંધીધામ ખાતે આવેલી ઔદ્યૌગિક તાલીમ સંસ્થાની મુલાકાત લીધી હતી. આઈ.ટી.આઈ. પરિસરની મુલાકાત લઈને મંત્રી બલવંતસિંહ રાજપૂતે કૌશલ્ય વિકાસ માટે ચાલતા વિવિધ અભ્યાસક્રમોની માહિતી મેળવી હતી. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા કૌશલ્ય વિકાસ માટે આપવામાં આવતી તાલીમની સમીક્ષા કરી હતી.
મંત્રી બલવંતસિંહ રાજપૂતે આઈ.ટી.આઈ.માં તાલીમ મેળવી રહેલા તાલીમાર્થીઓ સાથે મુક્ત મને સંવાદ કરીને ઉપલબ્ધ રોજગારીની તકો અને માળખાકીય સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી. બલવંતસિંહ રાજપૂતે આઈ.ટી.આઈ. ગાંધીધામના સ્ટાફ સાથે મુલાકાત કરીને કૌશલ્યવર્ધન તાલીમથી રોજગારીની તકોના નિર્માણ અંગે જરૂરી સૂચનાઓ આપી અને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. મંત્રી બલવંતસિંહ રાજપૂતે ઉદ્યોગ, જી.આઇ.ડી.સી, નાગરિક ઉડ્ડયન વિભાગના કચ્છના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ પ્રસંગે અગ્રણી ધવલ આચાર્ય, શ્રમ રોજગાર અધિકારી, રોજગાર અધિકારી એમ.કે.પાલા, મદદનીશ શ્રમ આયુક્ત એ.કે. શિહારો, શ્રમ અધિકારી એચ.એમ.પટેલ, આઈ.ટી.આઈ ગાંધીધામના આચાર્ય સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.