AHSPAના 30 એમએલડી સીઈટીપીને આગામી આદેશ સુધી જીપીસીબી દ્વારા બંધ કરાયો
સુએઝ ફાર્મ વિસ્તારમાં થઇ રહેલા બેફામ પ્રદૂષણ સામેના પર્યાવરણ ટુડેના અભિયાનની અસર
અમદાવાદઃ દાણીલીમડા અને બેહરામપુરા સ્થિત ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા પ્રદૂષિત પાણીને ટ્રીટ કરવામાં માટે અમદાવાદ હેન્ડ સ્ક્રિન એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા નિર્માણ કરાયેલા 30 એમએલડી ક્ષમતા ધરાવતા કોમન ઇન્ફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે. હવે આ સીઇટીપીને બંધ કરવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) દ્વારા બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
ક્લોઝર એક્સટેન્શન બાદ અંતે ક્લોઝર નોટિસ
અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિયેશનના મૂળ નાના એકમોના ભોગે સુએઝ ફાર્મ સ્થિત મોટા એકમો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરી રહેલ હોય તેમ જણાઇ રહ્યું હતુ. આ સંદર્ભે જીપીસીબી પોતે પણ તેની ભૂમિકાને લઇને ચર્ચાના કેન્દ્રમાં જોવા મળ્યું હતુ. જોકે, અંતે જીપીસીબીએ સીઇટીપીને આપેલા વારંવારના ક્લોઝર એક્સટેન્શન બાદ આગામી હુકમ સુધી બંધ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે, જેને પ્રદૂષણ સામેની લડતમાં એક આવકાર્ય પગલા તરીકે જોઇ શકાય છે.
30 એમએલડી સીઇટીપી સૂચિત ધારા-ધોરણો કરવામાં નિષ્ફળ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી), ગાંધીનગર દ્વારા AHSPAના સીઇટીપીને વોટર એક્ટ, 1974ની કલમ 33-એ હેઠળ ક્લોઝર ઓર્ડર આપવામાં આવ્યો છે. આ પહેલા જીપીસીબી દ્વારા AHSPAને ક્લોઝર ઓર્ડરને લંબાવવામાં આવ્યો હતો અને ધારાધોરણો મુજબ સીઇટીપીને ચલાવવા માટેની તક પૂરી પાડવામાં આવી હતી. જોકે, વર્ષ 2024ના મે અને જૂન મહિનામાં બોર્ડના અધિકારીઓ દ્વારા સીઇટીપીના નિરીક્ષણ દરમિયાન લેવામાં આવેલા ટ્રીટેડ એફ્લ્યુએન્ટ સેમ્પલ ચકાસણીથી તે બહાર આવ્યું હતુ કે આ સીઇટીપી હજુ સુધી સૂચિત ધારા-ધોરણોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યો છે. આ સેમ્પલમાં પીએચ, સસ્પેન્ડેડ સોલિડ્સ, બીઓડી અને સીઓડી મંજૂરી પ્રાપ્ત મર્યાદા કરતા ખૂબ જ વધુ જોવા મળ્યા હતા.
જીપીસીબીના નિરીક્ષણ દરમિયાન જોવા મળેલા ઉલ્લંઘન
આ ઉપરાંત, નિરીક્ષણ દરમિયાન ટર્સરી ટ્રીટમેન્ટ યુનિટ પણ ચાલુ નહોવાનું જોવા મળ્યું હતુ. એસબીઆર યુનિટ અને સીઇટીપી કમ્પાઉન્ડ વોલ વચ્ચે ખુલ્લી જમીનમાં 25 કેએલનું વેસ્ટ વોટરનું તળાવ જોવા મળ્યું હતુ. એસબીઆર 1, 2 અને 3નું ડી.ઓ. મીટર પણ ચાલુ સ્થિતિમાં જોવા મળ્યું ન હતુ. ઉપરાંત, ઓપરેશન માટે લોગ બૂકને પણ મેન્ટેન્ટ કરવામાં આવી ન હતી. તો આશરે 300 મેટ્રિક ટન જેટલો સીઇટીપીનો કાદવ એચડીપીઇ બેગ અને ખુલ્લી જમીનમાં જોવા મળ્યો હતો અને જોખમી કચરાના સંગ્રહ માટે પર્યાપ્ત જગ્યા ફાળવવામાં આવી ન હતી. જીપીસીબીના નિરીક્ષણ દરમિયાન જોવા મળેલા ઉલ્લંઘન પ્રકૃતિ માટે ગંભીર હોવાથી તે ઉજાગર થાય છે કે AHSPA દ્વારા ધારા-ધોરણોનું પાલન કરવામાં આવ્યું નથી.
AHSPA દ્વારા તેના સભ્યોને પત્ર થકી જાણ કરાઇ
AHSPAના 30 એમએલડી સીઈટીપીને બંધ કરવાના આદેશ સંદર્ભે AHSPAએ દ્વારા તેના સભ્યો અને સીઇટીપી સાથે જોડાયેલા તમામ સભ્યોને તારીખ 7 જૂન, 2024ના રોજ એક પત્ર થકી જાણ કરવામાં આવી છે. જે પત્રમાં જણાવવામાં આવ્યું છે કે 30 એમએલડી સીઇટીપીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર કચેરીએથી 7 જૂન, 2024ના રોજ રાત્રે 8 કલાકે ક્લોઝર ઓર્ડર આપવામાં આવેલ હોવાથી તમામ સભ્યોએ પોતાના એકમમાં ચાલતું પ્રોડક્શન વહેલી તકે પુરૂં કરવું. આ ઉપરાંત ટોરેન્ટ પાવર પણ સીઇટીપીનું પાવર કનેક્શન પણ કોઈપણ સમયે કાપી શકે છે, જોકે, સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ટોરેન્ટ પાવર દ્વારા વીજ જોડાણ કાપી નાંખવામાં આવ્યું છે. આ સાથે AHSPA દ્વારા સભ્યોને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી બીજો હુકમ ન મળે ત્યાં સુધી આપનું એકમ સંપૂર્ણ રીતે બંધ રાખવું અને સીઇટીપીની ડ્રેનેજ પાઇપલાઇમાં કોઈપણ એકમે પાણી છોડવું નહી તેમ પણ જણાવવામાં આવ્યું છે.
ગંદા પાણીના ટ્રીટમેન્ટનો ખર્ચ બચાવવા માંગતા ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ સુએઝ ફાર્મ વિસ્તારમાં તેમના એકમો સ્થાપિત કરેલ છે, જ્યાં તેઓ અત્યાર સુધી ગંદા પાણીનો નિકાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ લાઈન દ્વારા સાબરમતી નદીમાં કરતા હતા, પરંતુ હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ સખત આદેશો બાદ હવે તેઓ અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિએશનના CETPમાં નિકાલ કરી રહ્યા છે. જોકે, આ ડિસ્ચાર્જ ધારા-ધોરણો પ્રમાણે થતું હોત તો કોઇ પ્રશ્ન ઉપસ્થિત જ નથી થતો, પરંતુ અહીં મોટા ટેક્સટાઇલ એકમો પ્રદૂષિત પાણીને છોડવાની નાની માત્રામાં મંજૂરી મેળવી મોટી માત્રામાં પ્રદૂષિત પાણી સીઇટીપીમાં છોડી રહ્યાં છે. આ વિષય સંબંધિત ઘટનાક્રમને પ્રકૃતિ પ્રહરી પર્યાવરણ ટુડેએ સમાચારના માધ્યમથી જવાબદારોના બહેરા કાન સુધી પહોંચાડ્યો છે.