રાજકોટઃ ટીઆરપી ગેમઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના, 30થી વધુના મોત
રાજકોટ: રાજકોટ શહેરમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોનમાં શનિવારે સાંજે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ ગેમઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગતા ગેમઝોન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગતા ફાયર બ્રિગેડની ૮ ટીમો ઘટના સ્થળ પર પહોંચી હતી અને ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ ગેમઝોનના સંચાલકો પાસે ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે
હાલ વેકેશન હોવાથી આ ગેમઝોન બાળકો સહિત અનેક લોકો ઉપસ્થિત હતા. ગેમઝોનમાં ચાલી રહેલા કામ દરમિયાન આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. આગના ધૂમાડા ૪થી ૫કિલોમીટર સુધી દેખાઈ રહ્યા હતા. અનેક લોકોએ જીવ બચાવવા ગેમઝોનના શેડમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. જ્યારે કેટલાંક લોકોનું રેસક્યુ કરવામાં આવ્યું હતુ. ઘટના સમયે 70થી વધુ લોકો ગેમઝોનમાં હાજર હોવાના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતુ.
આગની આ ગોઝારી ઘટનામાં મોડી રાત સુઘી 30થી વધુ લોકો હોવાની જાણકારી મળી રહી છે. તમામ મૃતકોને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. જોકે, મૃતકોની ઓળખ થઇ શકે તેમ ન હોય પરિવારજનોના ડીએનએ લઇને મતદેહ ઓળખી પરિવારજનોને સોંપવામાં આવશે. તો બીજી તરફ ગેમઝોનની સ્ટ્રક્ચર ડિઝાઇનને લઈને સંચાલકો શંકાનાઘેરામાં આવી ગયા છે. છેલ્લે મળતી માહિતી મુજબ ગેમઝોનના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાં આવી છે અને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.