ગનપાઉડર ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ; ૧ મોત, ૬થી વધુ લોકો ઘાયલ
બેમેત્રા: છત્તીસગઢની સૌથી મોટી ગનપાઉડર ફેક્ટરીમાં શનિવારે સવારે જોરદાર વિસ્ફોટ થયો હતો અને બાદમાં આ ફેક્ટરીમાં ભયંકર આગ લાગી હતી. આગની ઘટના બેમેત્રા જિલ્લાથી ૭૦ કિલોમીટર દૂર બોરસી નામના ગામમાં બની હતી.
બીજી તરફ ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. એસડીઆરએફ અને પોલીસ પ્રશાસનની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી ઘટનાસ્થળ પર એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી છે. આગ એટલી ભીષણ હતી કે તેની જ્વાળાઓ દૂર દૂર સુધી જોઈ શકાય છે. ફેક્ટરીમાં વિસ્ફોટનો અવાજ કેટલાય કિલોમીટર સુધી લોકોને સંભળાયો હતો.
ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગના તણખાને કારણે આસપાસના રહેણાંક વિસ્તારોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વિસ્ફોટો બાદ ફેક્ટરીનો કાટમાળ દૂર સુધી પડ્યો હતો. જેના કારણે આસપાસના લોકો પણ ડરી ગયા હતા, જો કે આ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગની ઘટનામાં સમાચાર લખાય છે ત્યાં સુધીમાં મળતી માહિતી મુજબ એક વ્યક્તિ નું મોત થયું છે અને છ થી વધુ લોકો ઘાયલ થયા છે.