ઓસ્ટ્રેલિયાની ધરતી પર સંભવત ભયંકર દુષ્કાળ ૨૦ વર્ષ સુધી ચાલી શકે છેઃ રિસર્ચ
નવી દિલ્હી: દુનિયાના સૌથી નાના ખંડ અને વિશાળ દેશ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભયંકર દુકાળનો ખતરો મંડાઇ રહયો છે એવી ચેતવણી વૈજ્ઞાનિકોએ આપી છે. નવાઇની વાત તો એ છે કે થોડાક વર્ષો પછી શરૂ થનારો સંભવત દુષ્કાળ એક કે બે નહી ૨૦ વર્ષ સુધી ચાલી શકે છે.
રિસર્ચ ટીમે ભૂતકાળમાં પડેલા દુષ્કાળના સમગ્ર સ્પેકટ્રમનો અભ્યાસ કર્યો હતો. કલાયમેટ મોડેલની મદદથી વૈજ્ઞાનિકોએ છેલ્લા ૧૨૫૦ વર્ષના દુષ્કાળને સ્ટિમુલેટ કર્યા હતા. ઓસ્ટ્રેલિયાની અનેક યુનિવર્સિટીઓએ સંયુકત રીતે મળીને સ્ટડી મોડલ તૈયાર કર્યુ છે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે ઓસ્ટ્રેલિયામાં ઝડપથી એક મેગા ડ્રોટ આકાર લઇ શકે છે. મેગા ડ્રોટ વર્ષો સુધી ચાલશે તો તેનો પ્રભાવ ઇકો સિસ્ટમ અને માનવીઓ પર પડશે. સાયન્ટિસ્ટોના ધ્યાનમાં આવ્યું છે કે પહેલા પણ આ પ્રકારના દુષ્કાળો નોંધાઇ ચુકયા છે. ઔધોગિક ક્રાંતિ પહેલા અને ૨૦મી સદીમાં રણ મેગાડ્રોટ જોવા મળ્યા હતા. એકાંદ કે બે વર્ષના દુષ્કાળથી પર્યાવરણ અને ઇકો સિસ્ટમને ખાસ નુકસાન થતું નથી, પરંતુ લાંબા ગાળાના દુષ્કાળ ખૂબ જ ભયંકર અસર ઉભી કરે છે. કયારેક તો મેગાડ્રોટની અસર દાયકાઓ સુધી રહેતી હોય છે.
સંશોધકોએ નોંધ્યું હતું કે અમેરિકાના દક્ષિણ પશ્ચીમ વિસ્તારમાં ૨૧મી સદીની શરૂઆતમાં ભયંકર દુષ્કાળ પડયો હતો, આ દુષ્કાળને ૨૪ વર્ષ થયા પછી પણ તેની અસર ચાલુ રહી છે. આ સ્ટડી સાથે સંકળાયેલા પ્રોફેસર નેરિલ અબરામે કહયું હતું કે જળવાયુ પરિવર્તનના લીધે દક્ષિણ પશ્ચિમી અને પૂર્વી ઓસ્ટ્રેલિયામાં લાંબા સમયથી દુષ્કાળ પડી રહયો છે. મર્રે ડાર્લિગ બેસિન ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો કૃષિ વિસ્તાર છે. આ એવા વિસ્તારો છે જયાં ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટશે ત્યારે દુષ્કાળનો ખતરો વધી જવાનો છે. આ અંગેનો એક સ્ટડી રિપોર્ટ હાઇડ્રોલોજી અને અર્થ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયો છે.