કડીના છત્રાલ રોડ પર આવેલી ખાનગી કંપનીમાંથ ગેસ લિકેજ થતા છ કામદારોને થઇ અસર
કડીના છત્રાલ રોડ ઉપર આવેલી કંપનીઓ સામે વાયુ પ્રદૂષણ ફેલાવી રહ્યાંની અનેક વખત રાવ ઉઠતી રહે છે. ત્યારે કડીની એક કંપનીમાંથી ગેસ ગળતર થતાં બાજુના યુનિટમાં કામ કરતા કામદારો ગુંગળાયા હતા, જેઓની તબિયત બગડતા કડીના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કડીના છત્રાલ રોડ પર આવેલી કેમલાસ્ટ કંપનીમાંથી મંગળવારની સાંજે ગેસ લિકેજ થવાની ઘટના બનવા પામી હતી. જેની અસર બાજુના યુનિટમાં કામ કરતા છ કામદારોને થઇ હતી. આ કામદારોની તબિયત લથડતા તેઓને કડીની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે મળતી માહિતી પ્રમાણે કેમલાસ્ટ કંપનીમાં મંગળવાર સાંજે શોટ સર્કિટના કારણે થોડા સમય માટે એર પૉલ્યુશન સિસ્ટમ બંધ રહેવા પામી હતી. જેના પગલે ગેસની અસર બાજુમાં આવેલા યૂનિટમાં થઇ હતી. જેમાં છ કામદારોને અસર થવા પામી હતી, જેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેઓની તબિયતમાં સુધારો થતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.