પશ્ચિમ બંગાળમાં ચીમની પડતા ૩ કામદારોના મોત, ૩૦ની હાલત ગંભીર
- ભઠ્ઠા માલિક સામે માનવહત્યા અને બેદરકારીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો
પશ્ચિમ બંગાળમાં ૨૪ પરગણામાં ઈંટના ભઠ્ઠાની ચીમની અચાનક તૂટી પડી. આ અકસ્માતમાં ભઠ્ઠામાં કામ કરતા ત્રણ મજૂરોના મોત થયા હતા. ૩૦થી વધુ કામદારો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ કેસની તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું કે અકસ્માતનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ ઘટના ૨૪ પરગણાના બસીરહાટના ધલતીતાહ ગામમાં બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે અહીં ઇંટના ભઠ્ઠામાં રાબેતા મુજબ કામ ચાલી રહ્યું હતું. અહીં ૬૦થી વધુ મજૂરો પોતાનું કામ કરી રહ્યા હતા. દરમિયાન મુખ્ય ચીમની નીચેથી તૂટીને એક તરફ લટકી ગઈ હતી. જ્યાં સુધી કામદારોએ આ ચીમની જોઈ અને ત્યાંથી ખસી ગયા ત્યાં સુધીમાં ચીમની ધ્રૂજતા કામદારો પર પડી. આ ચીમનીના કારણે કુલ ૩૩ મજૂરોને અસર થઈ હતી. જેમાંથી બે મજૂરોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બાકીના ૩૧ ઘાયલ મજૂરોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું કે હોસ્પિટલમાં એક મજૂરને મૃત જાહેર કરવામાં આવ્યો છે. બાકીના ૩૦ મજૂરોને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. તબીબોના જણાવ્યા અનુસાર આમાંના એક ડઝનથી વધુ ઘાયલ મજૂરોની હાલત ગંભીર છે. પોલીસે જણાવ્યું કે આ ઘટનાના સંબંધમાં, ભઠ્ઠા માલિક સામે માનવહત્યા અને બેદરકારીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ચીમની તૂટી પડવાની ઘટનાની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી કોઈ નક્કર કારણ બહાર આવ્યું નથી.