સુરતના સચિન વિસ્તારમાં બેફામ ફેલાઈ રહેલા પ્રદૂષણ સામે ક્યારે થશે કાર્યવાહી? કોણ કરશે કાર્યવાહી?
સુરતઃ શિયાળાની શરૂઆત થતાં જ હવા પ્રદૂષણની ગંભીર સ્થિતિ ઉદભવતી હોય છે. આ સ્થિતિ માટે આ ઋતુમાં હવાનું ઘટ્ટ થવું તે પરિબળ હોવાનું જોવા મળે છે, પરંતુ કેટલાંક અન્ય પરિબળો હોય છે, જે હવા પ્રદૂષણ માટે જવાબદાર હોય છે. દેશ ભરના અનેક શહેરોમાં હવા પ્રદૂષણની સ્થિતિ ચિંતાજનક સ્તરે જોવા મળે છે, ત્યારે હવે ગુજરાતના શહેરોમાં પણ આવી સ્થિતિ જોવા મળવી તે સામાન્ય બની ગયું છે, જે કેટલાંક ઔદ્યોગિક વસાહતો ધરાવતા શહેરોની આસપાસના એર ક્વોલિટી ઇન્ડેક્સ પરથી જાણી શકાય છે.
હાલમાં જ આપણે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની ઉજવણી કરી ત્યારે સુરતમાં હવા પ્રદૂષણની સ્થિતિ કેટલી ગંભીર બની રહી છે, તે સોમવારે સુરત શહેરમાં 345ના આંકડા પર જોવા મળેલા એર ક્વોલિટી ઇન્ડેક્સ પરથી જાણી શકાય છે. આ સ્થિતિને લઈને પર્યાવરણ સંરક્ષણ માટે કાર્યરત લોકો અને સંસ્થાઓમાં ગંભીરતા જોવા મળી રહી છે. પરંતુ અહીં વાત સુરતના સચિન વિસ્તારની કરવી છે, જ્યાં પ્રદૂષણની ભરમાર જોવા મળી રહી છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં માત્ર હવા પ્રદૂષણ જ નહી, પરંતુ જમીન પ્રદૂષણ અને જળ પ્રદૂષણ પણ ફાલી રહ્યું છે. ફ્લાય એશના કારણે આ વિસ્તારમાં રાખના ઢગલા જોવા મળી રહ્યાં છે. આ પ્રકારના પ્રદૂષણ સ્વાસ્થ્ય માટે ખાસ કરીને શ્વસન સંબંધી સમસ્યાઓ માટે કેટલા ઘાતક સાબિત થતા હોય છે, તે વાતથી આપણે સૌ હવે અજાણ રહ્યાં નથી.
જુઓ વીડિયોઃ
આ તમામ પ્રદૂષણ આપણી પ્રકૃતિને એટલી ગંભીર હદે નુક્શાન પહોંચાડી રહ્યાં છે કે જેની આપણે ક્યારે ભરપાઈ કરી શકવાની નથી. પરંતુ અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થઇ રહ્યો છે કે આ પ્રકારના નુક્શાનકર્તા પ્રદૂષણને કોણ પોષી રહ્યું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ની વડી કચેરી ખાતેથી પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, ત્યારે આ પ્રયાસોને આ વિસ્તારના સ્થાનિક અધિકારીઓ દ્વારા ‘વાડ જ ચીભડા ગળે’ તે કહેવતને સાચી ઠરાવવામાં આવી રહી છે કે શું? તે પ્રશ્ન ઉપસ્થિત થઇ રહ્યો છે. આ પ્રશ્ન એટલા માટે ઉપસ્થિત થઇ રહ્યો છે કે જો અધિકારી દ્વારા આ બાબતે કડક પગલા લઇ સઘન કાર્યવાહી કરવામાં આવે તો કેટલીક હદે આ તમામ પ્રકારના પ્રદૂષણને ડામી શકાય છે. જોકે, પ્રદૂષણને ડામવા માટે અન્ય સંબંધિત તંત્રોએ પણ એટલી જ જવાબદારી ઉઠાવી પોતાની શક્ય નૈતિક ફરજ નિભાવવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે સચિન જીઆઈડીસીમાં હાલમાં જ એથર ઇડસ્ટ્રીઝ લિમિટેડમાં દુર્ઘટના ઘટી હતી, જેમાં નવ જેટલા કામદારોના મૃત્યુ થયા હતા. આ પ્રકારની મોટી દુર્ધટનામાંથી જીપીસીબીના સ્થાનિક અધિકારીઓ શીખ લે તે અતિમહત્વપૂર્ણ બાબત બની જાય છે. જવાબદારો સામે સઘન કાર્યવારી કરી કડક પગલા ભરવા જોઇએ. આ બાબતોની સાથે લોકોના સ્વાસ્થ્ય પર અસર કરતા પ્રદૂષણ ફેલાવતા પરિબળોને ડામવા પણ તેટલી જ જરૂરી બાબત છે, કારણ કે તે આસપાસના માનવ અને જીવસૃષ્ટિને સહિત સમગ્ર પ્રકૃતિ માટે ગંભીર બની જતી બાબત છે.