મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાનમાં, યામાનાશી હાઈડ્રોજન કંપનીની મુલાકાત લીધી
અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાપાન પહોંચેલા ગુજરાતના હાઈ લેવલ ડેલીગેશને તેની મુલાકાતનો પ્રારંભ યામાનાશી ગવર્નર કોટારો નાગાસાકી સાથેની બેઠકથી કર્યો હતો. યામાનાશી હાઈડ્રોજન કંપનીની મુલાકાત મુખ્યમંત્રી અને ડેલિગેશને યામાનાશી ગવર્નર સાથે લઈને ગ્રીન હાઈડ્રોજન સેકટરમાં પણ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ પોટેન્શિયલ અંગે વિચાર વિમર્શ કર્યો હતો.
મુખ્યમંત્રી અને પ્રતિનિધિ મંડળે આ પ્લાન્ટનું નિરીક્ષણ કરીને વિશેષતાઓ જાણી હતી. યામાનાશી હાઈડ્રોજન કંપનીના ગ્રીન હાઈડ્રોજનના સપ્લાય, સેલિંગ અને સર્વિસિંગ પ્રક્રિયાનું ડેમોન્સ્ટ્રેશન પણ તેમણે નિહાળ્યું હતું. યામાનાશી હાઈડ્રોજન કંપની આ ડેમોન્સ્ટ્રશન સહિત ગ્રીન હાઈડ્રોજનમાં અન્ય ઈનિશિયેટિવ્ઝથી આગામી વાઈબ્રન્ટ સમિટમાં સહભાગી થવા ઉત્સુક છે તેમ તેમણે જણાવ્યું હતું.
યામાનાશી ગવર્નરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ડેલીગેશનનો ઉષ્માસભર આવકાર કરતા આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધો વધુ સુદ્રઢ બનાવશે તેવી અપેક્ષા દર્શાવી હતી. તેમણે જાપાન ગ્રીન હાઈડ્રોજન સેક્ટરમાં જે નવા અભિગમો અપનાવી રહ્યું છે તેનું વિસ્તૃત પ્રેઝન્ટેશન ડેલિગેશન સમક્ષ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન, નેશનલ ઇલેક્ટ્રીક મોબિલિટી મિશન પ્લાન, ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો કાર્બન ઇમિશનના લક્ષ્?યાંક, જેવી જે પહેલો થઈ છે તેની વિગતો આપી હતી.
ગુજરાત પણ ગ્રીન ક્લીન એનર્જીના લક્ષ્યાંકોને પાર પાડવા વડાપ્રધાનના દિશાદર્શનમાં આગળ વધી રહ્યું છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. ખાસ કરીને ૨૦૩૦ સુધીમાં દેશમાં રીન્યુએબલ એનર્જી સોર્સમાંથી ૫૦૦ ગીગા વોટ ઇન્સ્ટોલ્ડ કેપેસિટીના વડાપ્રધાનના નિર્ધારમાં પણ ગુજરાત અગ્રીમ યોગદાન આપે તેવા રાજ્ય સરકારના ઈનિશિયેટિવ્ઝ મુખ્યમંત્રીએ વર્ણવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી પોર્ટફોલીયો ૧૦૦ ગીગાવોટ સુધી લઈ જવાના લક્ષ્યાંકની અને ગુજરાત ન્યૂ રીન્યુએબલ પોલિસીની જાણકારી આપી હતી. મુખ્યમંત્રીએ રીન્યુબલ એનર્જી સેક્ટર તથા ગ્રીન હાઈડ્રોજન સેક્ટરમાં જાપાન ગુજરાતના સંબંધોને નવી તકો આપવા, નવા રોકાણો માટે વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪માં જોડાવા પણ યામાનાશી ગવર્નરને આમંત્રણ પાઠવ્યું હતું. રવિવારે રજાના દિવસે પણ ગવર્નર સમગ્ર મુલાકાતમાં સાથે રહ્યા અને ઉષ્માસભર આવકાર આપ્યો તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનો આભાર માન્યો હતો. મુખ્ય સચિવ રાજકુમારના વડપણમાં રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને અગ્રણી ઉદ્યોગકારો આ મુલાકાતમાં જોડાયા હતા.