રાજકોટમાં બાઈક અને ખુલ્લી જીપ પર સવાર થઇ ક્ષત્રિય સમાજની બહેનોએ તલવાર સાથે ગરબા રાસ કર્યો
રાજકોટઃ રાજકોટમાં પેલેસ રોડ પર રાજવી માંધાતાસિંહનાં પેલેસ પ્રાંગણમાં ધારદાર તલવાર સાથે બાઇક તેમજ ખુલ્લી જીપ પર ઉભા રહીને કરેલા રાસને જાઇને ઘોડેશ્વાર વિરાંગનાઓની ઝાંખી થઇ હતી. ગુજરાતના ગરબા એટલે કંઈ ત્રણ તાળી નહિ, અહીં દરેક પ્રાંતના ગરબાનો અલગ અંદાજ છે અને અલગ રીતે રમાય છે. જેમનો એક રાસ એટલે ગુજરાતના ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વાર કરવામાં આવતી તલવાર સાથે રાસ રમવામાં આવે છે.
રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બીજું અને ત્રીજું નોરતું એમ કુલ બે દિવસ નવરાત્રીની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવેલુ છે. જેમાં ૨૦૦ જેટલી બહેનોનું અદભૂત શૌર્ય જાવા મળ્યું હતું. મહિલાઓએ બાઈક અને ખુલ્લી જીપ પર સવાર થઇ તલવાર પકડીને રાસ કર્યો હતો. રાજકોટના રાજવી પેલેસમાં એક સાથે ૨૦૦ જેટલી બહેનો દ્વારા તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજવી પેલેસ ખાતે વર્ષ ૨૦૦૬થી નવરાત્રીમાં તલવાર રાસ રમાય છે. આ વખતે સોમવાર અને મંગળવાર એટલે કે બીજું અને ત્રીજું નોરતા દરમિયાન એમ બે દિવસ તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું છે. એક સાથે ૨૦૦ જેટલી ક્ષત્રિય સમાજની બહેનો તલવાર રાસ રમી રહી છે. જેમાં તેઓ બાઈક અને ખુલ્લી જીપ પર સવાર થઇ પ્રથમ વખત તલવાર રાસ રમી ઉપસ્થિત સૌ કોઇને ઘોડેશ્વાર વિરાંગનાઓની ઝાંખી કરાવી હતી.
આ ઉપરાંત બહેનોએ દીવડા, થાળી અને ટીપ્પણી રાસ પણ રજૂ કર્યો હતો. છેલ્લા ૧૩ વર્ષથી સાફા બાંધવાની તાલીમ, હેરિટેજ વોક, પર્યાવરણ જાગૃતિ, સૈનિકોને ઇકો ફ્રેન્ડલી રાખડી મોકલવા સહિતની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ભગિની ફાઉન્ડેશન દ્વારા બાઈક પર તલવાર રાસ શીખવવાની ખાસ શિબિર રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આજથી ચાર વર્ષ પહેલા ક્ષત્રિય સમાજની હજારો બહેનો એક સાથે તલવાર રાસ રમીને વિશ્વ વિક્રમ પણ સ્થાપ્યો હતો.