માહી ડેરીમાંથી લેવાયેલા દૂધના નમૂના ફેલ, દૂધમાંથી વધુ માત્રામાં આલ્ફા ટોક્સીન મળી આવ્યું
ભાવનગરઃ માહી ડેરીનું દૂધ પીતા હો તો ચેતી જજો કારણ કે, ભાવનગરની માહી ડેરીનું દૂધ પીવાલાયક નથી. કેન્દ્રની સરકારી લેબમાં તપાસ દરમિયાન માહી ડેરીના દૂધના નમૂના ફેલ થયા છે. કેન્દ્રની લેબના રિપોર્ટમાં દૂધમાંથી વધુ માત્રામાં આલ્ફા ટોક્સીનનું પ્રમાણ મળ્યું છે. આલ્ફા ટોક્સીનની વધુ માત્રા આરોગ્ય માટે ગંભીર ગણાય છે.
આરોગ્ય માટે લાલબત્તી સમાન કહી શકાય તેવી ગંભીર બેદરકારી માહી ડેરીની બહાર આવી છે. જેને લઈ માહી ડેરી સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૨માં માહી ડેરીના બલ્ક મિલ્ક ચીલીંગ સેન્ટરમાંથી દૂધના નમૂના લેવામાં આવ્યાં હતા. જેની સૌ પ્રથમ રાજ્ય સરકારની લેબમાં તપાસ કરવામાં આવી હતી રાજ્ય સરકારની લેબના રિપોર્ટમાં પણ દૂધના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. જેથી માહી ડેરીએ રાજ્ય સરકારે રિપોર્ટને પડકાર આપ્યો હતો અને કેન્દ્રની સરકારી લેબમાં દૂધના નમૂના મોકલ્યાં હતા. જે પણ ફેલ થયા છે. મહત્વનું છે કે માહી ડેરીમાંથી સમગ્ર ભાવનગરમાં દૂધની સપ્લાય કરવામાં આવે છે.