રાજ્યના ભાવનગર અને સુરેન્દ્રગરમાં બર્ડ ફ્લુનો ખતરો
ગુજરાત રાજ્યમાં કોરોના એક બાજુ નામશેષ થવા જઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ બર્ડ ફ્લુ દસ્તક દઈ રહ્યો છે. રાજ્યના અનેક જીલ્લામાં બર્ડ ફ્લુ સામે આવ્યા બાદ વધુ બે જીલ્લામાં બર્ડ ફ્લુનો ખતરો તોળાઈ રહ્યો છે. ભાવનગરના મહુવા ખાતે બર્ડ ફ્લુ પોઝીટીવ આવ્યો છે. સુરેન્દ્રનગર ખાતે મોટી સંખ્યામાં મૃત પક્ષી મળી આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગરના માલવણમાં ૮ ચકલીઓ મૃત હાલતમાં મળી આવી છે. બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે મૃત ચકલીઓ મળી આવતા જીવદયા પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઇ છે. તો વન વિભાગની ટીમે મૃત ચકલીના નમૂના લીધા છે. અને આ નમૂના પશુ રોગ સંશોધન કેન્દ્ર ખાતે મોકલાયા છે. હવે તેના રીપોર્ટની રાહ જાેવાઈ રહી છે.
તો બીજી બાજુ ભાવનગર જિલ્લામાં બર્ડ ફ્લુનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. મહુવાના ગુંદરણા ગામે મરઘાનો પોઝિટિવ કેસ આવ્યો છે. ગુંદરણા ગામે મરઘાના ટપોટપ મોત થયા હતા. પશુપાલન વિભાગે નમૂના લઈ ભોપાલ મોકલ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોલ્ટ્રી ફાર્મ માલિકોમાં ચિંતામાં મુકાયા છે.