ભારતીય અક્ષય ઊર્જા દિવસ: સોલાર ક્રાંતિની નવી ગાથા લખી રહ્યું છે ગુજરાત
વર્ષ 2022-23માં રાજ્ય સરકારે સોલાર રૂફટોપના લાભાર્થીઓ પાસેથી વીજળી ખરીદીને ₹ 107 કરોડ ચૂકવ્યા
વર્ષ 2024-25માં 940 મેગાવોટની ક્ષમતા સાથે 2 લાખથી વધુ રૂફટોપ સ્થાપિત કરવાનું આયોજન
પરંપરાગત ઇંધણ પરથી ભારણ હટાવીને, વર્ષ 2030 સુધીમાં ભારતની 50 ટકા વીજળી આપૂર્તિ વિવિધ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત દ્વારા થાય, તે હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ પહેલ હાથ ધરવામાં આવી છે. વર્ષ 2015માં COP21-પેરિસ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ સંયુક્ત રીતે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) લૉન્ચ કર્યું હતું. 121 દેશોમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે આ આંતરરાષ્ટ્રીય સહયોગ કરવામાં આવ્યો છે. ભારતમાં ઉજાલા યોજના, નેશનલ સોલાર મિશન, સ્વચ્છ ભારત અભિયાન તેમજ ગ્રીન ગ્રોથને લગતા વિવિધ નિર્ણયો પર્યાવરણને અનુકૂળ વિકાસ તરફ ભારતની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરે છે. ભારતના આ સંયુક્ત ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત એક અગ્રેસર ભૂમિકા નિભાવી રહ્યું છે. સિંગલ વિન્ડો સિસ્ટમ, આકર્ષક સબસીડી અને સરળ વહીવટના લીધે, રૂફટોપ સોલારની સંખ્યામાં ગુજરાત દેશમાં ટોચ પર છે અને વર્ષ 2022-23માં રાજ્ય સરકારે સોલાર રૂફટોપના લાભાર્થીઓ પાસેથી વીજળી ખરીદીને ₹ 107 કરોડ નાગરિકોને ચૂકવ્યા છે. વર્ષ 2019થી નાણાકીય વર્ષ 2022-23ના ગાળામાં અત્યાર સુધી સરકારે ₹ 207 કરોડની વીજળી ખરીદી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં અક્ષય ઊર્જા (પુનઃપ્રાપ્ય ઊર્જા) ના વિકાસ અને તેને અપનાવવા અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી દર વર્ષે 20 ઓગસ્ટનો દિવસ ‘ભારતીય અક્ષય ઊર્જા દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. બાયોગેસ, સૌર ઊર્જા, પવન ઊર્જા, હાઇડ્રોઇલેક્ટ્રિકલ પાવર વગેરે જેવી ઊર્જા અક્ષય ઊર્જાના કેટલાક ઉદાહરણો છે.
‘નેટ મીટરીંગ’ પ્રણાલી ગ્રાહકો માટે ફાયદાકારક
‘નેટ મીટરીંગ’ના લીધે લોકો તેમના ઘરો પર સોલાર રૂફટોપ લગાવવા માટે ઉત્સુક બન્યાં છે. ‘નેટ મીટરીંગ’ એવી બીલ પ્રણાલી છે, જેમાં સોલાર રૂફટોપના લાભાર્થીઓ તેમની વધારાની ઉર્જાને ગ્રીડમાં પાછી આપી શકે છે. એટલે કે ગ્રાહકને વાપરેલાં યુનિટ પર અંદાજે રૂ. ૫ થી ૬ પ્રતિ યુનિટ નો ફાયદો થાય છે જ્યારે વધારાના યુનિટને પણ ગુજરાત સરકાર ₹ 2.25 પ્રતિ યુનિટના ભાવે ખરીદી કરી ગ્રાહકને આવક કરવાની સુવિધા આપી છે. વર્ષ 2022-23માં સરકારે આ રીતે ₹ ૧૦૭ કરોડનું ચૂકવણું નાગરિકોને કર્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 437528 ઘરો પર સોલાર રૂફટોપ છે જેની કુલ ક્ષમતા 1724.68 મેગાવોટની છે. ૧ કિલોવોટથી 1 મેગાવોટની ક્ષમતાવાળી રૂફટોપ સોલાર સિસ્ટમને ‘નેટ મીટરીંગ’નો ફાયદો મળે છે.
24 ટકા ગ્રામ્ય વિસ્તારમાં સોલાર રૂફટોપ
રાજ્યના ગામડાઓમાં ઓછામાં ઓછા એક ઘરમાં સોલાર રૂફટોપ હોય, તેના માટે સરકાર અત્યારે એક્શન મોડમાં છે. ગામડાના નાગરિકોને તેના લીધે ઘર પર સોલાર લગાવવાની પ્રેરણા મળશે. અત્યારે રાજ્યમાં 24 ટકા સોલાર રૂફટોપ ગામડાઓમાં છે.
સૂર્ય ગુજરાત યોજના અતર્ગત કામગીરી (09-08-2023 સુધી)
રૂફટોપ મેગાવોટ ક્ષમતા
શહેરી વિસ્તાર 342298 1370.1
ગ્રામ્ય વિસ્તાર 95230 354.58
કુલ 437528 1724.68
પહેલા ₹ 2200 બીલ હતું, છ મહિનાથી ઝીરો થઈ ગયું છે: ડાંગ જિલ્લાના લાભાર્થી
સોલાર રૂફટોપના સશક્ત અમલીકરણના લીધે હવે આદિજાતિ વિસ્તારના ગામડાઓ સુધી પણ આ યોજનાનો લાભ પહોંચી રહ્યો છે. ડાંગ જિલ્લાના વાંસદા તાલુકાના નાનીભામતી ગામમાં રહેતા અને બુહારી ખાતે કૉલેજમાં સંસ્કૃતના પ્રોફેસર હીતેન્દ્રભાઇ પ્રમોદચંદ્ર ગાન્વિત જણાવે છે, “અમારા સ્ટાફમાં એક ભાઇએ સોલાર રૂફટોપ લગાવ્યું તો મે તેના વિશે જાણ્યું. મને તે અનુકૂળ લાગતા હવે મારા ઘરે પણ છ મહિના પહેલા રૂફપોટ લગાવ્યું છે. તેના લીધે મારું અગાઉ જે બીલ ₹ 2200થી 2500 જેટલું આવતું હતું, તે ઝીરો થઈ ગયું છે. આ યોજના સારી છે અને હવે અમારી સોસાયટીમાં રહેતા બીજા ત્રણ લોકોએ પણ સોલાર રૂફટોપ લગાવવાનું નક્કી કર્યું છે. ”
રાજ્યના ટોપ 10 જિલ્લા (રૂફટોપની સંખ્યામાં)
ક્રમ જિલ્લો રૂફટોપ
1 અમદાવાદ 66704
2 વડોદરા 66207
3 સુરત 59126
4 રાજકોટ 48684
5 આણંદ 17567
6 ભાવનગર 15787
7 ભરૂચ 15096
8 ગાંધીનગર 14385
9 મહેસાણા 14059
10 કચ્છ 12643
સરકારની નીતિઓ, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજીટલાઇઝેશનથી ગુજરાત દેશમાં અગ્રેસર
ગુજરાતે રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનને પ્રોત્સાહન આપવા માટે ઘણી પ્રગતિશીલ નીતિઓ અને પ્રોત્સાહનો અમલમાં મૂક્યા છે. આ નીતિઓમાં અનુકૂળ નેટ મીટરિંગ નિયમો, સબસિડી, ટેક્સ અંગેના ફાયદા અને સોલાર પ્રોજેક્ટ્સ માટે ઓછા વ્યાજની લોનનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે નાગરિકોના અમૂલ્ય સમય અને ઉર્જાને બચાવવા માટે , એક ખાસ વેબ પોર્ટલ તૈયાર કર્યું છે, જે રૂફટોપ સોલાર મેળવવા માંગતા નાગરિકો માટે એક સિંગલ વિન્ડો તરીકે કામ કરે છે. આ સિસ્ટમ હેઠળ, અરજદારો તેમની રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનની અરજીઓને નિયુક્ત પોર્ટલ અથવા ઓફિસ દ્વારા સબમિટ કરી શકે છે. ત્યારબાદ તેના પર અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે. જરૂરિયાત અનુસાર તેનું નિરીક્ષણ પણ કરવામાં આવે છે અને ત્યારબાદ મંજૂરી આપવામાં આવે છે. વર્ષ 2024-25માં 940 મેગાવોટની ક્ષમતા સાથે 2 લાખથી વધુ રૂફટોપ સ્થાપિત કરવાનું સરકારનું આયોજન છે.
ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઊર્જા : 2022-23માં 21839 MU ઉત્પાદન
પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે, ખાસ કરીને સૌર અને પવન ઉર્જા ક્ષેત્રે ગુજરાત એક અગ્રેસર રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. સોલાર પાર્કનું નિર્માણ અને રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનને ઘરો સુધી પહોંચાડીને, રાજ્યની મબલખ સૌર ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચારણકા સોલાર પાર્ક જેવા પ્રોજેક્ટની સફળતાએ ગુજરાતને ભારતમાં સૌર ઉર્જા ઉત્પાદનમાં મોખરે પહોંચાડ્યું છે. વધુમાં, દરિયાકાંઠે આવેલા વિન્ડ ફાર્મ્સે રાજ્યની પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વર્ષ 2022-23ના છેલ્લા આંકડા અનુસાર ગુજરાતમાં કુલ 21839 મિલિયન યુનિટ ઉત્પાદન થયું છે. જેમાં 8077 MU સોલાર, 12259 MU પવન, 1378 MU હાઇડ્રો, 102 સ્મોલ હાઇડ્રો અને 23 MU બાયોમાસ અને બગાસ છે.